શરદ પવાર જૂથના સાંસદની પૂણેના હિસ્ટ્રી-શીટરના ઘરે જઈને મુલાકાત લેવા પર એનસીપીની ટીકા

પુણે: શરદ પવારની આગેવાની હેઠળની પાર્ટીના નવા ચૂંટાયેલા અહમદનગરના સાંસદ નિલેશ લંકે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા પુણેના એક વ્યક્તિના ઘરે ગયા પછી એનસીપી (અજિત પવાર જૂથ)એ શુક્રવારે એનસીપી (એસપી)ની નિંદા કરી હતી.
થોડા મહિનાઓ પહેલાં એનસીપી પ્રમુખ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પુત્ર પાર્થ પવારે હિસ્ટ્રીશીટર ગજાનન મારણે ઉર્ફે ગજ્યા મારણેના ઘરની મુલાકાત લીધા પછી વિવાદ સર્જાયો હતો.
અજિત પવારે આ મુલાકાતને અયોગ્ય ગણાવી હતી અને કહ્યું હતું કે તેમના પુત્રે ગુનાહિત રેકોર્ડ ધરાવતા વ્યક્તિને મળવાનું ટાળવું જોઈતું હતું.
આ પણ વાંચો : એક વ્યક્તિના શાસનના દિવસો પૂરા થયા: શરદ પવાર
તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વિડિયો સામે આવ્યો છે જેમાં મારણે લંકેને તેના પુણેના ઘરમાં સન્માનિત કરી રહ્યો છે.
આ મુલાકાતના વિઝ્યુઅલ બહાર આવ્યા તેમ જ એનસીપીના નેતા અમોલ મિટકરીએ ગુંડાના ઘરની લંકે દ્વારા લેવામાં આવેલી મુલાકાતની ટીકા કરી હતી અને આ મુલાકાત અંગે એનસીપી (એસપી)ના પ્રવક્તાના મૌન પર સવાલ ઉઠાવ્યો હતો.
જ્યારે પાર્થ પવારે મારણેની મુલાકાત લીધી ત્યારે અજિત દાદાએ નારાજી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે મીટિંગ ટાળવી જોઈતી હતી, પરંતુ આજે નિલેશ લંકે મારણેને ખૂબ જ આદર સાથે મળી રહ્યા છે અને તેમના અભિનંદન સ્વીકારી રહ્યા છે એમ મિટકરીએ જણાવ્યું હતું.
અહમદનગર લોકસભા મતવિસ્તારમાં જાયન્ટ કિલર તરીકે ઉભરેલા લંકેએ ભાજપના વર્તમાન સાંસદ સુજય વિખે પાટીલને હરાવ્યા હતા.
મિટકરીએ એવો સવાલ કર્યો હતો કે શું એનસીપી (એસપી) એ અહેમદનગર અને બારામતી લોકસભા બેઠકો જીતવા માટે ગુનેગારોની મદદ લીધી હતી? એ બાબતની તપાસ થવી જોઈએ કે શું એનસીપી (એસપી)ને ચૂંટણીમાં મારણેનું સમર્થન મળ્યું હતું.
બારામતીમાં શરદ પવારની પુત્રી સુપ્રિયા સુળેએ અજિત પવારની પત્ની સુનેત્રા પવારને હરાવીને સતત ચોથી વખત જીત નોંધાવી હતી.
દરમિયાન, એનસીપી (એસપી)ના નેતા વિદ્યા ચવ્હાણે એક મરાઠી ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે મારણેની મુલાકાત અને તેમના સન્માનની સ્વીકૃતિને કારણો સમજવા માટે તેઓ લંકે સાથે વાત કરશે. ખોટું એ ખોટું જ છે. પછી ભલે તે લંકે હોય કે અન્ય કોઈ, અમે કોઈ તેને ટેકો આપતા નથી, એમ તેમણે ભારપૂર્વક કહ્યું હતું. (પીટીઆઈ)