એનસીપી(એસપી)એ જયંત પાટીલને મહારાષ્ટ્ર એકમના વડા તરીકે હટાવવાની માગણીના અહેવાલોને રદિયો આપ્યો

નાગપુર: રાજ્ય વિધાનસભાની ગયા વર્ષે આયોજિત ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર એકમના વડા જયંત પાટીલને બદલવાની માગણી પાર્ટીમાં ઉઠી રહી હોવાના અહેવાલોને ‘પાયાવિહોણા’ ગણાવીને એનસીપી(એસપી)એ સોમવારે તેને રદિયો આપ્યો હતો.
એનસીપી (એસપી)ના રાજ્ય એકમના પ્રવક્તા પ્રવીણ કુંટેએ એવો દાવો કર્યો હતો કે, મીડિયાના એક વર્ગમાં આવા અહેવાલો વહેતા કરવાનો હેતુ પાટીલની છબી ખરાબ કરવાનો હતો.
એનસીપી (એસપી)એ ગયા વર્ષે નવેમ્બરમાં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં તેના નબળા પ્રદર્શનની પૃષ્ઠભૂમિ પર ચર્ચા કરવા માટે ગયા અઠવાડિયે મુંબઈમાં બે દિવસની બેઠક યોજી હતી.
288 સભ્યોની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ લગભગ 90 ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને તેમાંથી ફક્ત 10 બેઠકો જીતી શકી હતી.
આ પણ વાંચો : એનસીપી (એસપી)ના નેતા જયંત પાટીલ, અન્ય ત્રણે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિધાનસભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા
પાર્ટીના વડા શરદ પવાર, કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુળે અને રાજ્યના વડા જયંત પાટીલ બે દિવસની બેઠકમાં હાજર રહ્યા હતા.
કુંટેએ જણાવ્યું હતું કે, બેઠક પછી ઘણા મીડિયામાં પાર્ટીની બેઠકમાં જયંત પાટીલને તેમના પદ પરથી દૂર કરવાની માગણી કરવામાં આવી હોવાના ‘પાયાવિહોણા’ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા.
તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બે કે ત્રણ પક્ષના પદાધિકારીઓ સિવાય કોઈએ આ મુદ્દાને સ્પર્શ પણ કર્યો ન હતો.
કોઈ વ્યક્તિ મીડિયાના માધ્યમથી જાણી જોઈને જયંત પાટીલની વફાદાર છબીને ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, એવો દાવો કુંટેએ કર્યો હતો.
એનસીપી (એસપી) આવા ‘ભ્રામક’ અહેવાલોની નિંદા કરે છે, એમ તેમણે જણાવ્યું હતું. (પીટીઆઈ)