હું મંદિરનું કામ પૂરું થશે તે બાદ રામલલ્લાના દર્શન કરવા આવીશઃ શરદ પવારે એક કાંકરે બે પક્ષી માર્યા

મુંબઈઃ એનસીપી ચીફ શરદ પવાર પોતાની મુત્સદીગીરી માટે જાણીતા છે. પ્રખર રાજકારણી શરદ પવાર હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના એનડીએ સામે મોરચો માંડીને બેઠા છે. તેઓ ઈન્ડિયા ગઠબંધનના મુખ્ય આર્કિટેક્ટ છે અને આ ગઠબંધનનો આગ્રહ તેમણે જ કર્યો હતો ત્યારે સ્વાભાવિક છે કે તેઓ પણ વિપક્ષોની જેમ નિર્ણય લે. તે જોતા તેમણે રામ મંદિરમાં 22મી જાન્યુઆરીએ યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવાનો ઈનકાર કર્યો છે.
તેમણે તેમને મળેલા આમંત્રણ બદલ આભાર માની રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના સેક્રેટરી ચંપત રાયને પત્ર લખ્યો છે, જેમાં તેમણે લખ્યું છે કે તમારા આમંત્રણ બદલ આભાર. હું રામલલ્લાના દર્શન કરવા જરૂર આવીશ, પરંતુ 22 જાન્યુઆરી પછી આવવાનું પસંદ કરીશ. આ સાથે તેમણે એમ પણ લખ્યું કે આ દરમિયાન મંદિરનું કામ પણ પૂરું થઈ ગયું હશે. આમ લખી તેમણે એક કાંકરે બે પક્ષી માર્યા છે.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધાર્મિક ઘટના હોવા છતાં રાજકીય સમરાંગણ બની ચૂક્યો છે. કૉંગ્રેસ સહિતના વિપક્ષોએ, આ એક માત્ર રાજકીય ઈવેન્ટ હોય અને મંદિરનું કામ પૂરું થયું ન હોવા છતાં ચૂંટણીને ધ્યાનમાં રાખી યોજવામાં આવ્યું હોવાના આક્ષેપો કર્યા છે. કૉંગ્રેસના નેતા મલિલ્કાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીરરંજન ચૌધરી સહિતના નેતાઓએ આમંત્રણનો સન્માનપૂર્વક ઈનકાર કર્યો હતો. ભાજપે તેમને હિન્દુત્વવાદી વિરોધી ગણાવ્યા છે.
જોકે તેમના નિર્ણયને આડકતરું સમર્થન ચાર શંકરાચાર્યોએ આપ્યું છે. ચારેય શંકરાચાર્યોએ સ્પષ્ટ કર્યું છે કે અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી શકાય નહીં, આ શાસ્ત્રોથી વિરુદ્ધ છે. ચારેય શંકરાચાર્યોએ પોતાનો સ્પષ્ટ મત આપ્યો છે.
શરદ પવારનો આ નિર્ણય રાજકીય દૃષ્ટિએ પણ મહત્વનો છે. ઈન્ડિયા ગઠબંધનનો એક પણ પક્ષ અલગ નિર્ણય લે તો તે ચર્ચાનો વિષય બની જાય છે. શરદ પવારનો ભત્રીજો અજિત પવાર ભાજપ અને શિંદે-શિવસેના સાથે સત્તામાં છે. હવે જો પવાર રામમંદિરના મહોત્સવમાં ભાગ લે તો ગઠબંધન નબળું હોવાનું સંદેશ જાય, તેવી પૂરી શક્યતા છે. આથી પવારે પોતાની હાજરી કરતા ગેરહાજરી વધારે ઉચિત સમજી હોવાનું જણાઈ રહ્યું છે.