નવી મુંબઈમાં મહિલાએ કરી આત્મહત્યા: લિવ-ઇન પાર્ટનર વિરુદ્ધ ગુનો

થાણે: નવી મુંબઈમાં 44 વર્ષની મહિલાએ આત્મહત્યા કર્યા બાદ તેના લિવ-ઇન પાર્ટનર વિરુદ્ધ પોલીસે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો દાખલ કર્યો હતો. મહિલાને અગાઉના રિલેશનશિપથી બે પુત્રી છે અને તે નવી મુંબઈના રબાળે વિસ્તારમાં ગોઠાવલે ગામમાંના પોતાના ઘરમાં 8 જુલાઇએ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.
વસઇમાં રહેતો 37 વર્ષનો આરોપી છેલ્લાં ત્રણ વર્ષથી મહિલા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં હતો. તેણે મહિલાનો વિશ્ર્વાસ સંપાદન કર્યા બાદ તેની પાસેથી 10 લાખ રૂપિયા લીધા હતા, એમ રબાળે પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
આપણ વાંચો: આત્મહત્યાની આશંકા, તપાસ શરૂ
મહિલાએ જ્યારે તેમની વચ્ચેના સંબંધનો અંત લાવવાની વાત કરતાં તેના વાંધાજનક ફોટા તથા વીડિયો સગાંવહાલાંને શૅર કરવાની આરોપીએ ધમકી આપી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મહિલાની એક પુત્રીએ 11 જુલાઇના રોજ ફરિયાદ નોંધાવી હતી.
આરોપીએ મહિલાની અનેકવાર મારપીટ કરી હતી અને તેને ટોર્ચર કરી હતી, જેને કારણે કંટાળીને મહિલાએ અંતિમ પગલું ભર્યું હતું, એવો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.
આરોપીએ મહિલાની પુત્રીઓને અશ્ર્લીલ મેસેજ મોકલ્યા હતા અને તેમને ફોન કરીને ધમકી પણ આપી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ આદરી હતી. (પીટીઆઇ)