સગીરાની છેડતી કરનારા શખસની કરી હત્યા: ત્રણ કિશોરની અટકાયત

નાશિક: નાશિકમાં સગીરાની છેડતી કરનારા શખસની હત્યા કરવા બદલ પોલીસે ત્રણ કિશોરની અટકાયત કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
નાશિકમાં ઠકકર બાઝાર વિસ્તારમાં હોટેલ નજીક મંગળવારે મોડી રાતે 1.45 વાગ્યાની આસપાસ ત્રણેય કિશોરે 45થી 50 વર્ષની વયના શખસ પર પેવર બ્લોકથી હુમલો કર્યો હતો, જેમાં શખસને ગંભીર ઇજા પહોંચી હતી અને બાદમાં તેનું મૃત્યુ થયું હતું.
આપણ વાંચો: યેદિયુરપ્પાએ સગીરાની છેડતી કરી, છોકરીની માતાને પૈસા આપ્યા! ચાર્જશીટમાં ગંભીર આરોપ
દરમિયાન બનાવની જાણ થતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા, જ્યાં તપાસમાં જાણવા મળ્યું હતું કે હુમલાખોરો મેલા બસ સ્ટેન્ડ વિસ્તાર તરફ ભાગી છૂટ્યા છે.
આથી પોલીસ બસ સ્ટેન્ડ નજીક પહોંચી ત્યારે પંદરથી 16 વર્ષની વયના ત્રણ કિશોર ઊભા હતા અને પોલીસને જોઇ તેઓ ભાગવા લાગ્યા હતા. જોકે પોલીસે પીછો કરીને ત્રણેય કિશોરને ઝડપી પાડ્યા હતા.
પૂછપરછમાં ત્રણેય જણેે પોલીસને જણાવ્યું હતું કે તેમણે માથામાં પેવર બ્લોક ફટકારીને શખસની હત્યા કરી હતી, કારણ કે તેણે સગીરાની છેડતી કરી હતી, જે તેમની મિત્ર છે. પોલીસે આ પ્રકરણે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. (પીટીઆઇ)