નાશિકમાં ટ્રેક્ટર ઊંડી ખીણમાં ખાબકતાં બે મહિલાનાં મોત, 14 ઘાયલ

નાશિક: નાશિક જિલ્લામાં ટ્રેકટર ઊંડી ખીણમાં ખાબકતાં બે મહિલાનાં મોત થયાં હતાં, જ્યારે 14 લોકો ઘવાયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર રવિવારે સાંજે આ અકસ્માત થયો હતો.
છત્રપતિ સંભાજીનગરમાં રહેતા કેટલાક લોકો રવિવારે નાંદગાવ તાલુકાના જાતેગાવ ખાતે ચંદ્રપુરી શિવાર નજીક પિંપળેશ્ર્વર મહાદેવ મંદિરમાં દર્શન કરવા માટે ટ્રેક્ટરમાં રવાના થયા હતા.
મંદિરમાં દર્શન કરીને તેઓ પાછા છત્રપતિ સંભાજીનગર ખાતે આવી રહ્યા હતા ત્યારે ટ્રેક્ટરની બ્રેક ફેઇલ થતાં ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રેક્ટર 200 ફૂટ ઊંડી ખીણમાં પડ્યું હતું, એમ પોલીસે જણાવ્યું હતું.
અકસ્માતમાં મૃત્યુ પામેલી બે મહિલાની ઓળખ કાંતાબાઇ નારાયણ ગઇકે (30) અને કમલાબાઇ શ્યામરાવ જગદાડે (60) તરીકે થઇ હતી. બંને છત્રપતિ સંભાજીનગરની રહેવાસી હતી.
દરમિયાન ઘાયલ થયેલા 14 લોકોને પ્રથમ બોલથાનના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાયા હતા અને બાદમાં છત્રપતિ સંભાજીનગર ખાતેની ઘાટી હોસ્પિટલમાં ખસેડાયા હતા. (પીટીઆઇ)