નાશિકમાં કન્ટેઈનરે રિક્ષાને ટક્કર મારતા ત્રણનાં મોત
અન્ય એક બનાવમાં મહિલાની ગળું ચીરીને કરાઈ હત્યા
નાશિક: નાશિક જિલ્લામાં કન્ટેઈનર ટ્રક સાથે રિક્ષા અથડાતાં ચાર વર્ષની બાળકી સહિત ત્રણનાં મોત થયાં હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઇગતપુરી તાલુકામાં સિન્નર: ઘોટી માર્ગ પર સોમવારે સવારે આ અકસ્માત થયો હતો, જેમાં રિક્ષા ટ્રક સાથે ટકરાઇ હતી.
આ અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણેયની ઓળખ વિનાયક ઘુગે (25), તેની પુત્રી સ્વરા (4) અને માર્તંડ પિરાજી અવદ (60) તરીકે થઇ હતી, જ્યારે રિક્ષામાં હાજર અન્ય બે પ્રવાસી ઘાયલ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરી ટ્રક ડ્રાઇવરને તાબામાં લીધો હતો, એમ અધિકારીએ કહ્યું હતું.
દરમિયાન નાશિક જિલ્લામાં આવેલા ખેતરમાં 55 વર્ષની મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. તીક્ષ્ણ હથિયારથી મહિલાનું ગળું ચીરવામાં આવ્યું હતું. સિન્નર તાલુકાના દુબેરે-સોનારી માર્ગ પર આવેલા ખેતરમાં ખેડૂતોને મહિલાનો મૃતદેહ નજરે પડતાં તેમણે સ્થાનિક પોલીસને જાણ કરી હતી.
આ પણ વાંચો : નાશિકમાં ઝવેરી, તેના પુત્રએ ઝેર ગટગટાવી આયખું ટૂંકાવ્યું: દેવાને કારણે અંતિમ પગલું ભર્યું હોવાની શંકા
દરમિયાન પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને મહિલાને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. મહિલાની ઓળખ સિંદુબાઇ મારુતિ વાજે તરીકે થઇ હતી, જે આ જ વિસ્તારમાં રહેતી હતી. પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીની શોધ આદરી હતી.
(પીટીઆઇ)