12મી જાન્યુઆરીએ વડા પ્રધાન મોદી નાસિકની મુલાકાતે: અહીંથી થશે ભાજપના પ્રચારનો શ્રી ગણેશ

નાસિક: કેન્દ્ર સરકાર તરફથી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે આવનારી 12મી જાન્યુઆરીના રોજ નાસિકમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુવાઓનું માર્ગદર્શન કરશે. આ માધ્યમથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યમાં લોકસભાની ચૂંટણીના પ્રચારનો શ્રી ગણેશ કરશે તેવી જાણકારી મળી રહી છે. આ મહોત્સવની જવાબદારી ગ્રામીણવિકાસ પ્રધાન ગિરિશ મહાજનને સોંપવામાં આવી છે. ત્યારે આવનારા બે દિવસમાં તેમની અધ્યક્ષતામાં આ કાર્યક્રમની તૈયારી માટે બેઠક યોજાશે.
આગામી એપ્રિલ મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાવવાની શક્યતા હોવાથી ભાજપે તેની તૈયારી શરુ કરી દીધી છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ભાજપનો આત્મવિશ્વાસ વધી ગયો છે. આગામી લોકસભાની ચૂંટણીમાં ફરી સત્તામાં આવવા માટે ભાજપે પરી તાકત લગાવી તેની તૈયારી શરુ કરી દીધી છે. રાજ્યની 48 લોકસભા બેઠકો પર ભાજપે ધ્યાન કેન્દ્રિત કરી આ બેઠકો જીતવા માટે ભાજપે શિંદે જૂથ અને અજિત પવાર જૂથને સાથે લીધા છે. આ બંને જૂથને સાથે લઇને રાજ્યમાં ભલે ભાજપે સરકાર સ્થાપી હોય. પણ આ બંનેના સહકારથી લોકસભામાં કેટલી બેઠકો મળશે તે અંગે ભાજપમાં હજી શંકાકુશંકા છે. તેથી હવે ભાજપે રાજ્યમાં સીધા મોદીને જ લઇ આવવાનો નિર્ણય કર્યો છે. અને તેની શરુઆત નાસિકથી થશે.
યુવા મહોત્સવના માધ્યમથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી નાસિકમાં શક્તી પ્રદર્શન કરશે. અહીં રોડ શો થવાની પણ શક્યતાઓ રહેલી છે. આ મહોત્સવમાં દેશભરની વિવિધ કોલેજીસના 10 થી 12 હજાર યુવકો ઉપસ્થિત રહેશે.