નાંદેડ હોસ્પિટલ મૃત્યુકાંડ: મહારાષ્ટ્ર સરકાર દર્દીઓના મોત માટે લોંગ વિકએન્ડને જવાબદાર ઠેરવે તેવી શક્યતા
નાંદેડની હોસ્પિટલમાં 72 કલાકમાં 31 દર્દીઓના મોત મામલે ભારે ટીકાઓનો સામનો કરી રહેલી મહારાષ્ટ્ર સરકારે આજે બોમ્બે હાઇકોર્ટમાં જવાબ રજૂ કરવાનો છે ત્યારે કેટલાક મીડિયા અહેવાલો દ્વારા મળતી માહિતી મુજબ સરકાર હોસ્પિટલ સ્ટાફ ઓછો હોવા બદલ લાંબી રજાઓ પર જતા રહેલા કર્મચારીઓને જવાબદાર ઠેરવશે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નાંદેડમાં ડૉ. શંકરરાવ ચવ્હાણ સરકારી મેડીકલ કોલેજ અને હોસ્પિટલના સ્ટાફ ઉપરાંત તેની આસપાસ આવેલા અન્ય દવાખાના તથા હોસ્પિટલોમાં પણ ગણેશ વિસર્જન બાદના એક્સટેન્ડેડ વિકએન્ડની રજાઓને કારણે સ્ટાફ ઓછો હતો તેવું કારણ મહારાષ્ટ્ર સરકાર કોર્ટમાં રજૂ કરી શકે છે.
ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા દર્દીઓને સરકારી હોસ્પિટલમાં રિફર કરી દેવામાં આવ્યા. ગંભીર કેસ તથા નવજાત શિશુઓને પણ નાંદેડની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા જેને પગલે મૃત્યુઆંક વધ્યો હતો. રાજ્ય સરકાર પોતાની હલફનામામાં કહી શકે છે કે ઓછામાં ઓછા 10 નવજાત બાળકોના મોત માટે ખાનગી હોસ્પિટલો જ જવાબદાર છે.
રાજ્ય સરકાર કોર્ટમાં કઇરીતે પ્રતિક્રિયા આપશે તે અંગે વાત કરતા ચિકિત્સા શિક્ષા પ્રધાન હસન મશરીફે જણાવ્યું હતું કે જેટલા નવજાત શિશુઓના મોત થયા તેમાંથી 10ને ખાનગી હોસ્પિટલોમાંથી લવાયા હતા. અને જ્યારે તેઓ શંકરરાવ ચવ્હાણમાં દાખલ થયા ત્યારે તેઓ ખૂબ ગંભીર સ્થિતિમાં હતા. સરકારે એક સમિતિ બનાવી છે અને દરેક મોતનું ઓડિટ કરાવ્યું છે. તમામ કેસને અદાલત સામે રાખવામાં આવશે તેવું પ્રધાને જણાવ્યું હતું.