મહારાષ્ટ્ર

નાલાસોપારામાં રિયલ એસ્ટેટ એજન્ટની હત્યા:ફરાર દંપતીની 16 વર્ષ બાદ ઇન્દોરથી ધરપકડ…

પાલઘર: પાલઘર જિલ્લાના નાલાસોપારા પૂર્વમાં દલાલીનાં નાણાંને મુદ્દે થયેલા વિવાદમાં રિયલ એસ્ટેટ એજન્ટની કરાયેલી હત્યાના કેસમાં ફરાર દંપતીને 16 વર્ષ બાદ મધ્ય પ્રદેશના ઇન્દોરથી ઝડપી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી.

ઇન્દોરથી પકડાયેલા આરોપીઓની ઓળખ ધર્મેન્દ્ર રમાશંકર સોની (54) અને તેની પત્ની કિરણ ધર્મેન્દ્ર સોની (50) તરીકે થઇ હતી. બંનેને નાલાસોપારા લવાયા બાદ કોર્ટમાં હાજર કરાયાં હતાં, જ્યાં તેમને 22 ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી. આ કેસમાં એક આરોપી હજી ફરાર હોઇ પોલીસ દ્વારા તેની શોધ ચલાવવામાં આવી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ નાલાસોપારા પૂર્વમાં એપ્રિલ, 2009માં દલાલીનાં નાણાંને મુદ્દે થયેલા વિવાદમાં રિયલ એસ્ટેટ એજન્ટની હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ પ્રકરણે ચાર જણ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને એક આરોપીની ત્યારે ધરપકડ કરી હતી, જ્યારે દંપતી સહિત ત્રણ આરોપી ફરાર હતાં.

દરમિયાન મીરા-ભાયંદર વસઇ-વિરાર પોલીસની ક્રાઇમ બ્રાન્ચ સેલ-3ના અધિકારીઓએ હાલમાં કેસની ફરીથી તપાસ શરૂ કરી હતી અને તેમાં સંડોવાયેલા દંપતીને ઇન્દોરના મઉ ગામમાંથી શોધી કાઢ્યું હતું, જેને બાદમાં નાલાસોપારા લવાયું હતું. (પીટીઆઇ)

આ પણ વાંચો…નાલાસોપારામાં બિલ્ડરની આત્મહત્યાના કેસમાં બે કોન્સ્ટેબલની ધરપકડ: બન્નેને સસ્પેન્ડ કરાયા

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button