
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ પૂર્વ ઉપનગરના નાહુરમાં બર્ડ પાર્ક બનાવવા માટે ૧૬૬ કરોડ રૂપિયાનું મહત્વાકાંક્ષી ટેન્ડર શુક્રવારે બહાર પાડયું હતું. આ બર્ડ પાર્કમાં વિેદેશી પક્ષીઓની સાથે જ સ્વદેશી પક્ષીઓ પણ રહેશે.
પાલિકા પ્રસ્તાવિત આ બર્ડ પાર્ક મુંબઈગરા માટે એક નવું મનોરંજન સ્થળ બની રહેશે. આ પાર્કમાં સ્વિમિંગ પૂલ, બાસ્કેટ બોલ કોર્ટ અને ટેનિસ કોર્ટ સાથેનો લીલોછમ બગીચો પણ હશે. પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ સિંગાપોરના જુરોંગ બર્ડ પાર્કની થીમ પર આ બર્ડ પાર્ક બનાવવામાં આવી રહ્યું છે, જયાં હાલ ૪૦૦ પ્રજાતિના પક્ષીઓ રહે છે.
હાલ મુંબઈમાં ભાયખલાના પ્રાણી સંગ્રહાલયમાં (રાણીબાગ)ની અંદર એક બર્ડ પાર્ક છે. નાહુરમાં પ્રસ્તાવિત બર્ડ પાર્ક શરૂ થયા બાદ પ્રાણીબાગના અમુક પક્ષીઓનું અહીં સ્થળાંતર કરવામાં આવશે. તો અમુક નવા પક્ષીઓને પણ અહીં લાવવામાં આવશે.
આ પણ વાંચો: અરાઉન્ડ ધ વર્લ્ડ : પાલ્મિટોસ પાર્કનાં ઓલમોસ્ટ આઝાદ પક્ષીઓ…
પાલિકાના અધિકારીના જણાવ્યાં મુજબ નાહુરમાં બર્ડ પાર્ક બનાવવા માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીને બે અલગ અલગ પ્રસ્તાવ મોકલવામાં આવ્યા હતા. આ પાર્ક ખાસ પક્ષીઓને માટે જ સમર્પિત હશે અને તે મોટી સંખ્યામાં પર્યટકોને આકર્ષશે. આ બર્ડ પાર્કમાં અલગ અલગ ઝોન વિકસાવવામાં આવશે જયાં ચોક્કસ ઝોનના પક્ષીઓને રાખવામાં આવશે. આ ઝોનમાં વિવિધ પ્રદેશોના રહેઠાણ અને સાંસ્કૃતિક પાસાઓનું અનુકરણ કરશે,જે પર્યટકોને મદદરૂપ થશે.
આ પક્ષીસંગ્રહાલય ૧૭,૧૫૦ ચોરસ મીટર અથવા ૬.૫ એકર વિસ્તારમાં ફેલાયેલું હશે અને તેને ૨૦૨૮ની સાલ સુધીમાં શરૂ કરવાની પાલિકાની યોજના છે. આ બર્ડ પાર્કમાં આફ્રિકા ઝોન, ઓસ્ટ્રેલિયા ઝોન અને યુએસએ ઝોન સહિત અનેક વિભોગમાં વિભાજિત કરવામાં આવશે. આ ઝોનમાં ખાસ કરીને આ પ્રદેશોના પક્ષીઓને રાખવામાં આવશે.
પાલિકાએ શુક્રવારે બહાર પાડેલા ટેન્ડર મુજબ આ બર્ડ પાર્કમાં ૨૨ વિવિધ પ્રજાતિના પક્ષીઓ હશે, જેમાં અમુક પક્ષીઓ સન કોન્યુર, ગોલ્ડન ક્યુનર, એક્સેકટસ પોપટ, આફ્રિકન ગ્રે પોપટ, શાહમૃગ, ટોકો ટુકન અને બ્લેક સ્વાન વગેરેનો સમાવેશ થાય છે. પેલિકન, બતક અને શાગમૃગ જેવા પક્ષીઓને સમાવવા માટે અહીં સમર્પિત હોલ્ડિંગ એરિયા પણ બનાવશે, જેમાં કૃત્રિમ જળાશયો અને પક્ષીઓના કુદરતી નિવાસ સ્થાનની પ્રતિકૃતિ સમાન જગ્યા ઉભી કરવામાં આવશે. પક્ષીઓને રાખવા ઉપરાંત આ પ્રોજેક્ટમાં મોટા પ્રમાણમાં માળખાકીય સુવિધાઓના કામનો પણ સમાવેશ થાય છે, જેમાં અન્ડર ગ્રાઉન્ડ પાર્કિંગ સિસ્ટમના નિર્માણનો પણ સમાવેશ થાય છે. એક વખતમાં અહીં ૬૦થી વધુ વાહનો પાર્ક કરી શકાશે.