નાગપુરમાં ગડકરીની હાજરીમાં બે મહિલા અધિકારીમાં ધક્કામુક્કી, વીડિયો થયો વાઈરલ

નાગપુર: મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં એક સરકારી કાર્યક્રમ દરમિયાન એક વિચિત્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચર્ચાનું બજાર ગરમ થઈ ગયું છે. બે મહિલા વચ્ચે ધક્કામુક્કીની આ વિચિત્ર ઘટના કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીની હાજરીમાં સ્ટેજ પર, બધાની સામે બની હોવાથી લોકોને આશ્ચર્ય થયું છે.
આ ઘટના એક રોજગાર મેળા દરમિયાન બની ત્યારે પોસ્ટમાસ્ટર જનરલ શોભા મધલે (નારંગી સાડી) અને સુચિતા જોશી (ગ્રે સાડી) એક જ સોફા પર બેઠા હતાં. અચાનક બંને વચ્ચે વિવાદ વધ્યો અને મધલેએ જોશીને કોણીથી ધક્કો માર્યો, હાથને હડસેલ્યો અને ચૂંટિયો પણ ભર્યો. આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
આપણ વાંચો: યુનાઇટેડ વે ગરબા પાસ વિતરણમાં બબાલ: વડોદરામાં ધક્કામુક્કી થતાં ત્રણ ઇજાગ્રસ્ત
આ કેસમાં કહેવામાં આવી રહ્યું છે કે ઝઘડાનું મૂળ પોસ્ટમાસ્ટર જનરલના હોદ્દાને લગતું છે. વાસ્તવમાં શોભા મધલેની બદલી 8 સપ્ટેમ્બરે કર્ણાટકના ધારવાડમાં કરવામાં આવી હતી. નવી નિમણૂક સુધી નાગપુરનો હવાલો નવી મુંબઈના પોસ્ટમાસ્ટર જનરલ સુચિતા જોશીને સોંપવામાં આવ્યો હતો. જોકે, મધલેએ બદલી સામે કોર્ટમાં સ્ટે લીધો હતો.
આ જ વિવાદની ગરમી મંચ પર પહોંચી હતી. આ મામલે બંને અધિકારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી થવાની સંભાવના છે. આ વીડિયો પર લોકોએ પ્રતિક્રિયા આપી છે કે નોકરીની લડાઈ સમજી શકાય છે, પરંતુ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની સામે આવો તમાશો કેમ કર્યો?



