નાગપુરના ઘરમાં મહિલા ડૉક્ટરની હત્યા

નાગપુર: નાગપુરમાં ઘરમાં ઘૂસી અજાણ્યા શખસે મહિલા ડૉક્ટરની કથિત હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસને ડૉક્ટરનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો અને તેના માથા પર ઇજાનાં નિશાન હતાં.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ હુડકેશ્ર્વર પોલીસ સ્ટેશનની હદમાં લાડીકર લેઆઉટ સ્થિત ઘરમાંથી શનિવારની રાતે ડૉ. અર્ચના અનિલ રાહુળે (50)નો મૃતદેહ મળી આવ્યો હતો. ડૉ અર્ચના ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલમાં ફિઝિયોથેરપી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે અર્ચના એકલી રહેતી હતી. તેના પતિ ડૉ. અનિલ રાહુળે છત્તીસગઢના રાયપુરમાં પ્રેક્ટિસ કરે છે, જ્યારે પુત્ર ડૉક્ટરીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હોવાથી તે પુણેમાં રહે છે.
આ પણ વાંચો: બળાત્કાર અને હત્યાના આરોપી વિશાલ ગવળીની આત્મહત્યાઃ બાળકીના પિતાએ કહ્યું કે
ઘણા દિવસ પછી પતિ અનિલ રાહુળે શનિવારની રાતે 9.30 વાગ્યે ઘરે આવ્યો ત્યારે હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો અને અંદરથી દુર્ગંધ આવતી હતી. અનિલ ઘરમાં ગયો ત્યારે બેડ પર પડેલો પત્નીનો મૃતદેહ દેખાયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
પ્રાથમિક તપાસમાં મહિલાના માથા પર ગંભીર ઇજાનાં નિશાન નજરે પડ્યાં હતાં. અજાણ્યા શખસે હુમલો કર્યો હોવાનું ઘટનાસ્થળનું નિરીક્ષણ કરતાં પોલીસને લાગ્યું હતું. મૃતદેહ કોહવાયેલો હોવાથી ત્રણેક દિવસ અગાઉ આ ઘટના બની હોવાનો અંદાજ પોલીસે લગાવ્યો હતો.
આ પ્રકરણે હુડકેશ્ર્વર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અત્યારના તબક્કે કંઈ પણ કહેવું વહેલું ગણાશે. ઘરમાંથી કોઈ વસ્તુ ગુમ થઈ છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ મૃતકના મોબાઈલ ફોન રેકોર્ડ્સની પણ તપાસ કરી રહી છે.
(પીટીઆઈ)