મહારાષ્ટ્રમાં નવા ‘શક્તિપીઠ એક્સપ્રેસવે’ શરૂ થશે, નાગપુરથી ગોવા ૮-૧૦ કલાકમાં પહોંચાશે
નાગપુર: હવે મહારાષ્ટ્રના નાગપુરથી ગોવા રોડમાર્ગે જવું સરળ બનશે. નાગપુર અને ગોવાને જોડતો ૮૦૨ કિલોમીટર લાંબો નવો એક્સપ્રેસ વે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. જેને નાગપુર-ગોવા શક્તિપીઠ એક્સપ્રેસવે નામ આપવામાં આવ્યું છે.
આ એક્સપ્રેસ વે છ લેનનો છે. જેનું નિર્માણ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ એક્સપ્રેસવેથી મુસાફરીની ઝડપ વધશે જેથી સમયની પણ બચત થશે. પહેલા નાગપુરથી ગોવા પહોંચવામાં ૧૮થી ૨૦ કલાકનો સમય લાગતો હતો તે એક્સપ્રેસવે ને કારણે માત્ર આઠથી ૧૦ કલાક થઇ જશે. આનાથી મહારાષ્ટ્રમાં પ્રવાસનને પણ વેગ મળશે.
આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ૮૬,૦૦૦ કરોડ રૂપિયા છે. આ એક્સપ્રેસવે મહારાષ્ટ્રના ૧૨ જિલ્લાઓ જિલ્લામાંથી પસાર થશે જેમાં વર્ધા, યવતમાલ, હિંગોલી, નાંદેડ, પરભણી અને સિંધુદુર્ગનો સમાવેશ થાય છે. તેથી આ જિલ્લાઓના વિકાસ માટે પણ ઉપયોગી થશે. નાગપુર-ગોવા શક્તિપીઠ એક્સપ્રેસ વે વર્ધા જિલ્લાના પવનારથી શરૂ થશે અને મહારાષ્ટ્ર-ગોવા સરહદ નજીક પાત્રાદેવી પર પૂરો થશે.
એક્સપ્રેસ વેમાં ધાર્મિક સ્થળોનો સમાવેશ
શક્તિપીઠ એક્સપ્રેસ વેની સૌથી ખાસ વાત એ છે કે તે મુખ્ય તીર્થસ્થળોને પણ જોડશે. વર્ધાથી સિંધુદુર્ગ સુધી વિસ્તરેલો આ એક્સપ્રેસ વે તીર્થયાત્રીઓને સુવિધા આપશે. એક્સપ્રેસ વેમાં ત્રણ ધાર્મિક સ્થળો આવશે, સોલાપુર પાસે તુલજાપુર, કોલ્હાપુરમાં મહાલક્ષ્મી અને પાત્રા દેવી. આ તિર્થસ્થાનોના ધાર્મિક અને આર્થિક વિકાસને નોંધપાત્ર વેગ મળશે.
ગ્રામ્ય વિસ્તારોને પણ ફાયદો થશે
આ એક્સપ્રેસ-વે સાંગવાડે, સાંગવાડેવાડી, હલસાવાડે, નેરલી, વિકાસવાડી, કનેરીવાડી, કનેરી, કોગીલ બુદ્રુક, ખેબવાડે વગેરે ગામોમાંથી પસાર થતો હોવાથી આ ગ્રામીણ વિસ્તારોની આર્થિક વિકાસની તકો વધશે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રની જનતાએ વાસ્તવિક શિવસેનાને જનાદેશ આપ્યો: એકનાથ શિંદે
સૌથી લાંબા એક્સપ્રેસવેમાંથી એક
નાગપુર-ગોવા શક્તિપીઠ એક્સપ્રેસવે ભારતના સૌથી લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગોમાંથી એક હશે. આ રૂટ ૮૦૨ કિમી લાંબો છે અને તે નાગપુર-મુંબઈ એક્સપ્રેસ વે કરતા પણ લાંબો છે. આ એક્સપ્રેસ-વે ઘણા જિલ્લાઓને જોડતો હોવાથી લાખો લોકોને તેનો ફાયદો થશે અને લોકોના જીવન ધોરણ સુધરશે.