નાગપુરમાં વિસ્ફોટકો બનાવતી કંપનીની ઍરસ્ટ્રીપ પર ડ્રોન દેખાયું: ગુનો દાખલ

નાગપુર: નાગપુરમાં સંરક્ષણ સંબંધિત ઉત્પાદનોની ઉત્પાદક સોલાર ઇન્ડસ્ટ્રીઝની ઍરસ્ટ્રીપ (હવાઇપટ્ટી) પર અજ્ઞાત ડ્રોન ઊડતું જોવા મળતાં ખળભળાટ મચી ગયો હતો. પ્રશાસન દ્વારા આ પ્રકરણે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. હર્ષ પોદ્દારે જણાવ્યું હતું કે કોંઢાલી પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
નાગપુર-અમરાવતી માર્ગ પર સ્થિત કંપનીની ઍરસ્ટ્રીપ પર 9 ડિસેમ્બરે સાંજના 7.15 વાગ્યે ડ્રોન ઊડતું જોવા મળ્યું હતું. અંધકારને લીધે તેનો અચૂક આકાર નક્કી કરી શકાયો નહોતો, એમ કોંઢાલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
સોલાર ગ્રૂપના સિક્યુરિટી સ્ટાફે આકાશમાં લાઇટ્સ ટમટમતી જોઇ હતી. તેમણે ત્વરિત સલામતી અધિકારીઓને માહિતગાર કર્યા હતા, જેમણે બાદમાં કોંઢાલી પોલીસને સતર્ક કરી હતી અને તુરંત તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો.
ડ્રોન લગ્ન અથવા ખાનગી સમારંભ માટે લોન્ચ કરાયું હતું કે અથવા અજાણતા છોડવામાં આવ્યું હતું કે કેમ તે નક્કી કરવા માટે પોલીસ ટીમ દ્વારા ગામડાંઓ નજીક તલાશી લેવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસે મલકાપુર, શિવા, સાવંગા ગામોમાં તલાશી લીધી હતી, પરંતુ ડ્રોન વિશે કોઇ માહિતી મળી નહોતી. પોલીસ ટીમ બે દિવસથી આ ગામડાંમાં બંદોબસ્ત માટે તહેનાત કરવામાં આવી છે, પણ તેમને કોઇ પણ સફળતા મળી નથી. ઇન્ટેલિજન્સ બ્યૂરો (આઇબી)ની ટીમ પણ ઘટનાની તપાસ કરી રહી છે, એમ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સોલાર ઇન્ડસ્ટ્રીઝ ઘરઆંગણે સશસ્ત્ર બળો માટે વેપનાઇઝ્ડ ડ્રોન્સ (હોક્સાકોપ્ટર્સ), લશ્કરી વિસ્ફોટકો, રોકેટ ઇન્ટીગ્રેશન સિસ્ટમ્સ, લોઇટરિંગ મ્યુનિશન્સ, એન્ટિ-ડ્રોન મિસાઇલ્સ, બોમ્બ અને વોરહેડ્સ બનાવે છે. (પીટીઆઇ)



