મહારાષ્ટ્ર

રેસ્ટોરાંના માલિકની ગોળી મારી હત્યા: ચાર હુમલાખોર ફરાર

નાગપુર: આઈસક્રીમ ખાતાં ખાતાં મૅનેજર સાથે ચર્ચા કરી રહેલા રેસ્ટોરાંના માલિકની ગોળી મારી હત્યા કરવામાં આવી હોવાની ઘટના નાગપુરમાં બની હતી. બે બાઈક પર આવેલા ચાર હુમલાખોર ચાર રાઉન્ડ ફાયર કરી ફરાર થઈ ગયા હતા.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના નાગપુરના અંબાઝરી પોલીસ સ્ટેશનની હદમાં એક કૅફે બહાર સોમવારની મધરાતે દોઢ વાગ્યાની આસપાસ બની હતી. મૃતકની ઓળખ અવિનાશ રાજુ ભુસરી (28) તરીકે થઈ હતી.

સોશા રેસ્ટોરાંનો માલિક ભુસરી તેના મૅનેજર સાથે કૅફેની સામે ચર્ચા કરતો બેઠો હતો અને આઈસક્રીમ ખાતો હતો. તે સમયે બે બાઈક પર ચાર અજાણ્યા હુમલાખોર તેની નજીક આવ્યા હતા. ચારમાંથી એક શખસે પિસ્તોલમાથી ભુસરી પર ગોળીબાર કર્યો હતો, એમ અંબાઝરી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: નાગપુરના ઘરમાં મહિલા ડૉક્ટરની હત્યા

હુમલાખોરોએ ચાર રાઉન્ડ ફાયર કર્યા હતા, જેમાં ભુસરી ગંભીર રીતે ઘવાયો હતો. સારવાર માટે તેને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

અવિનાશના પિતાની ફરિયાદને આધારે અંબાઝરી પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો, જેની સમાંતર તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. પોલીસ હુમલાખોરોની ઓળખ મેળવવા માટે સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી રહી છે. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button