આમચી મુંબઈમહારાષ્ટ્ર

નાગપુર પોલીસે જમીન હડપવાના કેસમાં 18આરોપીઓ વિરુદ્ધ એમસીઓસીએ લગાવ્યો

નાગપુર: નાગપુરમાં વૃદ્ધાની જમીન છેતરપિંડીથી વેચી મારવાના કેસમાં 18 આરોપી વિરુદ્ધ પોલીસે મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ) લગાવ્યો છે.

ગજાનન નગરની નવજીવન કોલોનીમાં રહેતી 63 વર્ષની વૃદ્ધાની મૌજા નારા વિસ્તારમાંની 3,000 સ્કવેર ફૂટની જમીન ઇમામ ખાન રહીમ ખાન નામના શખસને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને વેચી દેવામાં આવી હતી. આની જાણ વૃદ્ધાને થયા બાદ તેણે 6 નવેમ્બર, 2023ના રોજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, એમ ડીસીપી (ઝોન-2) રાહુલ મદનેએ કહ્યું હતું.


તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીઓએ આધાર કાર્ડ, પેન કાર્ડ અને સેલ ડીડ સહિતના બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા.


રજિસ્ટ્રાર ઓફિસના કર્મચારી સાથે ખાનની મિત્રતા હતી, જેણે જમીનના મૂળ દસ્તાવેજો કાઢી આપ્યા હતા અને આરોપીઓએ બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા.


દરમિયાન આરોપીઓના નિવાસસ્થાનો તથા વાહનોની તલાશી લેવામાં આવતાં પોલીસને જમીનની નોંધણીઓ, બનાવટી ઓળખપત્રો, જમીનના મૂળ દસ્તાવેજો, નકલી નોન-એગ્રિકલ્ચર (એનએ) ઓર્ડર પેપર્સ, બનાવટી ચલણ, ટિકિટો અને રબર સ્ટેમ્પ પેપર્સ મળી આવ્યાં હતાં.


પોલીસને જમીન સંબંધી ગુનાઓમાં આરોપીઓની સંડોવણી અને કાવતરા અંગેના પુરાવા મળી આવ્યા હતા. આરોપીઓ સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાને કારણે તેમની સામે એમસીઓસીએ લગાવવાનો નિર્ણય લેવાયો હતો.


હાલ પાંચ આરોપી કસ્ટડીમાં છે, જ્યારે બાકીનાને જામીન મળી ચૂક્યા છે. પોલીસે જામીન પર મુક્ત આરોપીઓના જામીન રદ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે અને ધરપકડ કરાયેલા આરોપીઓને નોટિસ પાઠવી છે. પોલીસે ખાનની આલીશાન કાર અને રૂ. 12 લાખની બનાવટી નોટો જપ્ત કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button