મહારાષ્ટ્ર

ઑનલાઈન ઈન્વેસ્ટમેન્ટ સ્કૅમમાં જજ પણ છેતરાયા: 13.5 લાખ રૂપિયા ગુમાવ્યા

નાગપુર: ઈન્વેસ્ટમેન્ટ પ્લૅટફોર્મ પર આવેલી આકર્ષક વળતરની રોકાણ સ્કીમથી લલચાઈને નાગપુરના જજ પણ છેતરાયા હતા. એક સગાની વાત પર વિશ્ર્વાસ રાખીને જજે 13.5 લાખ રૂપિયા ગુમાવ્યા હોવાની ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ આકર્ષક વળતરની લાલચે અનેક રોકાણકારોને છેતરવામાં આવ્યા હોવાનું જણાયું છે. પોલીસને શંકા છે કે આ પોન્ઝી સ્કીમ હોઈ શકે, જેમાં સામાન્ય રીતે ઠગ ટોળકી રોકાણકારોને આઠથી 28 ટકા વળતરની લાલચ આપી નાણાં પડાવે છે.

આ સ્કૅમનો ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ કપેશ વિજય મોરે પણ બન્યા હતા, જેમણે 13.5 લાખ રૂપિયા ગુમાવ્યા હોવાનું અંબાઝરી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: ફોરેક્સ ટ્રેડિંગ સ્કૅમમાં યુવકે 13.54 લાખ રૂપિયા ગુમાવ્યા…

ફરિયાદને આધારે પોલીસે ફાલ્કન ઈન્વોઈસ ડિસ્કાઉન્ટિંગના મૅનેજિંગ ડિરેક્ટર અમરદીપ કુમાર સહિત બે જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસ ફરિયાદ અનુસાર જજને એક સગા મારફત ઈન્વેસ્ટમેન્ટ પ્લૅટફોર્મની જાણકારી મળી હતી. સંબંધિત કંપનીની સ્કીમમાં જજના સગા પાંચેક વર્ષથી રોકાણ કરીને સારો નફો મેળવતા હતા. આ વાતથી પ્રેરિત થઈ જજે રોકાણ કરવાનું નક્કી કર્યું હતું.

જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં અનેક ટ્રાન્ઝેક્શન દ્વારા જજે 13.5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. શરૂઆતમાં જજના ખાતામાં નફો જમા થતો હોવાનું દર્શાવાયું હતું. જોકે ત્રીજી ફેબ્રુઆરીએ જજે અલગથી એક લાખ રૂપિયા રોક્યા ત્યારે આ રકમ તેમના ખાતામાં જમા થઈ નહોતી. આ બાબતે પૂછપરછ કરવા જજે કંપનીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. કંપનીનો સંપર્ક થઈ શક્યો નહોતો. ઊલટું, સગાએ પણ જજના કૉલ રિસીવ કરવાનું બંધ કરી દીધું હતું. પરિણામે પોતે છેતરાયા હોવાની જાણ થતાં જજે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button