મહારાષ્ટ્ર

નાગપુર માટે આગામી 48 કલાક મુશ્કેલ, તાપમાનનો પારો 45 ડિગ્રી પાર કરશે

નાગપુરઃ દેશની આર્થિક રાજધાની મુંબઈ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં ગરમીનો પારો ઉંચે ને ઉંચે ચઢી રહ્યો છે. હવામાન વિભાગે આગામી થોડા દિવસો મહારાષ્ટ્રના મરાઠવાડા અને વિદર્ભ વિસ્તારોને ખૂબ જ સતર્ક રહેવા કહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 21થી 23 એપ્રિલ દરમિયાન વિદર્ભમાં ભારે ગરમ પવન ફૂંકાશે. હવામાન વિભાગે અકોલા, ચંદ્રપુર, વર્ધા, નાગપુર અને યવતમાલ જિલ્લાના રહેવાસીઓને ખાસ તકેદારીના પગલા ભરવાનો નિર્દેશ કર્યો છે. આ જિલ્લાઓમાં તાપમાન સામાન્ય કરતા વધારે રહી શકે છે.

મહત્તમ તાપમાન 45 ડિગ્રી પાર કરશે

હવામાન વિભાગના કહ્યા મુજબ પૂર્વ અને પશ્ચિમ વિદર્ભમાં 24 એપ્રિલ સુધી હવામાન શુષ્ક રહેશે. રવિવારે નાગપુરમાં પારો 44 ડિગ્રીની નજીક પહોંચી ગયો હતો. વર્ધા અને ચંદ્રપુરમાં મહત્તમ તાપમાન અનુક્રમે ૪૪ અને ૪૪.૬ ડિગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગનો અંદાજ છે કે આવતીકાલે મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૬ ડિગ્રી રહેવાની આગાહી છે. બંને દિવસે આકાશ સંપૂર્ણપણે સ્વચ્છ રહેશે. નાગપુરનું મહત્તમ તાપમાન 26 એપ્રિલ સુધી 44 ડિગ્રી રહેવાની ધારણા છે. વિદર્ભમાં વિવિધ સ્થળોએ ગરમી યથાવત રહેશે.

આ પણ વાંચો: આકાશમાંથી અગનવર્ષા: ગુજરાતના આ શહેરમાં તાપમાન 46 ડિગ્રીએ પહોંચ્યું, આ રાજ્યોમાં હીટવેવ એલર્ટ…

હવામાન વિભાગે આપી આ સલાહ

હવામાન વિભાગે લોકોને જરૂરી કામ હોય તો જ બપોરે ઘરની બહાર નીકળવાની સલાહ આપી છે. આ ઉપરાંત, એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે લોકોએ પોતાની સાથે પાણી રાખવું. જ્યારે ગળું સુકાઈ જાય ત્યારે પાણી પીતા રહેવું. આરોગ્ય વિભાગે તડકાથી બચવા માટે માથું ઢાંકીને રાખવાની સલાહ આપી છે.

મહારાષ્ટ્રના મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આવતીકાલે ૨૨ એપ્રિલના નાગપુરમાં ગરમીનો પારો ઉચકાશે તેવી આગાહી કરવામાં આવી છે. અમરાવતીમાં પણ ગરમીનો પ્રભાવ જોવા મળી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button