
નાગપુર: નાગપુરમાં વિસ્ફોટકો બનાવતી ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં છ જણનાં મોત થયાં બાદ પોલીસે ફેક્ટરીના ડિરેક્ટર અને મેનેજરની ધરપકડ કરી હતી.
નાગપુરમાં હિંગણા પોલીસ સ્ટેશનની હદમાં ધામના ગામમાં આવેલી ચામુંડી એક્સપ્લોઝિવ્સ પ્રા. લિ.ના ડિરેક્ટર જય ખેમકા (49) અને મેનેજર સાગર દેશમુખની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી. બંનેને બાદમાં કોર્ટમાં હાજર કરાયા હતા, જ્યાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે (ફર્સ્ટ ક્લાસ) તેમના રૂ. 50 હજારના જામીન મંજૂર કર્યા હતા.
ફેક્ટરીના પેકેજિંગ યુનિટમાં ગુરુવારે બપોરે એક વાગ્યાની આસપાસ બ્લાસ્ટ થયો હતો. એ સમયે કર્મચારીઓ પેકિંગનું કામ કરી રહ્યા હતા. બ્લાસ્ટમાં નવ જણ ઘાયલ થયા હતા, જેમાંના છ જણનાં સારવાર દરમિયાન મૃત્યુ થયાં હતાં. મૃતકોમાં પાંચ મહિલાનો સમાવેશ હતો.
આ પણ વાંચો : નાગપુરમાં ગનપાવડરની ફેક્ટરીમાં વિસ્ફોટ પછી ભીષણ આગઃ પાંચના મોત
હિંગણા પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું કે આ પ્રકરણે ગુુરુવારે રાતે ફેક્ટરીના ડિરેક્ટર અને મેનેજર સામે ભારતીય દંડસંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. ફેક્ટરીનો ડિરેક્ટર જય ખેમકા નાગપુરના રામ નગરનો રહેવાસી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
દરમિયાન ફેક્ટરી મેનેજમેન્ટે દરેક મૃતકના પરિવારને રૂ. 25 લાખ આપવાનું વચન આપ્યું હતું, જ્યારે રાજ્ય સરકાર તેમને રૂ. 10 લાખ આપશે, એમ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું. (પીટીઆઇ)