મહારાષ્ટ્ર

નાગપુરની શૈક્ષણિક સંસ્થામાં ઉચ્ચ હોદ્દા પર નોકરીને બહાને 1.28 કરોડની ઠગાઇ

ગઢચિરોલીનું દંપતી, તેની પુત્રી સહિત પાંચ જણ વિરુદ્ધ ગુનો

નાગપુર: મહિલા અને તેના પરિવારના સભ્યોને નાગપુરની શૈક્ષણિક સંસ્થામાં ઉચ્ચ હોદ્દા પર નોકરી અપાવવાને બહાને 1.28 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ પોલીસે ગઢચિરોલીના દંપતી, તેની 30 વર્ષની પુત્રી સહિત પાંચ સામે ગુનો દાખલ કર્યો હતો.

ભારતી હરકાંડે (50)એ આ પ્રકરણે હુડકેશ્ર્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

આ કેસનો મુખ્ય આરોપી નિલકંઠ દશરથ દહિકર (60) છે, જે ફરિયાદી ભારતી હરકાંડેનો મામો છે. નિલકંઠ ઉપરાંત તેની પત્ની સવિતા (52), પુત્રી આશુ (30) તેમ જ તેમના બે સંબંધી રાહુલ ધનોજી દહિકર (35) અને ગુલાબરાવ ધનોબા દહિકર (45) વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. આ તમામ ગઢચિરોલી જિલ્લાના રહેવાસી છે.

આ પણ વાંચો: થાણેના બિલ્ડરને ઓછા વ્યાજ દરે બિઝનેસ લોન અપાવવાને બહાને 2.7 કરોડની ઠગાઇ

આરોપીઓએ ફરિયાદી પાસેથી 2011થી 2024 દરમિયાન પૈસા લીધા હતા. ગઢચિરોલી ખાતેની શાંતિવન અપંગ નિરાધાર આદિવાસી વિકાસ શિક્ષણ સંસ્થા સાથે આરોપીઓ સંકળાયેલા છે, એમ પોલીસે જણાવ્યું હતું.

ફરિયાદમાં જણાવાયું હતું કે ભારતીને સંસ્થાની પ્રમુખ બનાવવાનું વચન આપીને તેના મામાએ તેની પાસેથી 48 લાખ રૂપિયા લીધા હતા. તેમણે નોકરીને નામે ભારતીના બનેવી પાસેથી પણ 45 લાખ રૂપિયા લીધા હતા. એ સિવાય ભારતીની બહેનને ત્યાંની વાઇસ-પ્રેસિડન્ટ નિયુક્તિ કરવા માટે પંદર લાખ લેવામાં આવ્યા હતા. બાકીના પૈસા ભારતીના સંબંધીઓને નોકરી અપાવવાને બહાને લેવાયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.

દરમિયાન રૂપિયા લીધા બાદ પણ તેમને વચન મુજબ કોઇ હોદ્દો કે નોકરી અપાઇ નહોતી. ફરિયાદી ભારતીએ રૂપિયા પાછા માગતાં આરોપીએ તેને 48 લાખનો ચેક આપ્યો હતો, જે બૅંકમાં જમા કરાવતા બાઉન્સ થયો હતો. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »
Back to top button