Assembly Election: …તો અદલાબદલી થઈ શકેઃ સંજય રાઉત
મુંબઈ: મહાવિકાસ આઘાડી (એમવીએ)એ બુધવારે ૮૫-૮૫-૮૫ એમ બેઠકોની વહેંચણીની જાહેરાત કર્યાના એક દિવસ બાદ શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે એમવીએના સાથી પક્ષોમાં અમુક બેઠકોની અદલાબદલી કરવામાં આવશે. આ સિવાય બુધવારે જાહેર કરાયેલી બેઠકોની યાદીમાં અમુક ફેરફાર કરવામાં આવી શકે છે.
એમવીના સાથી પક્ષો ઉદ્ધવ જૂથ, શરદ પવારની એનસીપી અને કૉંગ્રેસ દ્વારા બુધવારે પક્ષદીઠ ૮૫-૮૫-૮૫ બેઠકની વહેંચણી થઇ હોવાની જાહેરાત કરી હતી. ઉદ્ધવ ઠાકરે જૂથ તરફથી ૬૫ ઉમેદવારની નામની પ્રથમ યાદી પણ જાહેર કરાઇ હતી.
એમવીએ દ્વારા ૩૩ બેઠકો અંગે કોઇ નિર્ણય લેવાયો નહોતો તેમ છતાં આ બેઠકો અંદરોઅંદર વહેંચી લેવામાં આવશે તથા નાના પક્ષોને આપવામાં આવશે, એમ એમવીએના સૂત્રોએ જણાવ્યું હતું. ‘અમુક બેઠકોની અદલાબદલી થઇ શકે છે. યોગ્યતાને આધારે તથા જે વિસ્તારમાં વિજય નિશ્ર્ચિત થશે એવા ઉમેદવારોને જ પસંદ કરવામાં આવશે’, એમ રાઉતે જણાવ્યું હતું.
આ પણ વાંચો : શિંદે આક્રમક બનતા ભાજપની મુશ્કેલીઓ વધી, મહાયુતીના ત્રણેય નેતા દિલ્હીના દરબારમાં
એક-બે જગ્યાએ બેઠકોમાં ફેરફાર કરાશે. અમુક જગ્યાએ ચેલ્લી ઘડીએ ઉમેદવારો બદલવામાં આવી શકે છે. એનાથી વધુ કંઇ થશે એવું લાગતું નથી, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. આ સિવાય રાઉતે ઉદ્ધવ જૂથ ૧૦૦ બેઠક પર લડશે એવા સંકેત આપ્યા હતા.