મહારાષ્ટ્ર

પુણેના મુંઢવામાં જમીનનો સોદો: પોલીસે આરોપી શીતલ તેજવાનીની પૂછપરછ કરીને નિવેદન નોધ્યું

પુણે: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પુત્ર પાર્થ પવારની કંપનીને મુંઢવાની સરકારી જમીન ગેરકાયદે વેચવાના મામલામાં આરોપી શીતલ તેજવાનીનું પુણે પોલીસે નિવેદન નોંધ્યું હતું. ખડક પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે નોંધવામાં આવેલા કેસમાં તેજવાનીની પૂછપરછ કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

તેજવાની ઉપરાંત પાર્થ પવારના બિઝનેસ પાર્ટનર દિગ્વિજય પાટીલ અને સસ્પેન્ડે તહેસીલદાર સૂર્યકાંત યેવલે (જેણે બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા (બીએસઆઇ)ને ખાલી કરાવવાની નોટિસ જારી કરીને પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો હતો) આ કેસમાં આરોપી છે. પાર્થ પવારનું નામ સેલ ડીડમાં ન હોવાથી તેને આરોપી બનાવવામાં આવ્યો નથી, એમ પોલીસે અગાઉ કહ્યું હતું.

આપણ વાચો: પુણે જમીન ‘કૌભાંડ‘માં મહિલાનું નામ: પોલીસ સમક્ષ નિવેદન નોંધાવવા માટે હાજર થવાનું કહેવાયું

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અમે આ કેસમાં તેજવાનીની પૂછપરછ કરીને તેનું નિવેદન નોંધ્યું હતું.
તેજવાની પર આરોપ છે કે પુણેના મુંઢવા વિસ્તારમાં 40 એકર સરકારી પ્લોટની પાવર ઓફ એટર્ની તેની પાસે હતી, જે બાદમાં પાર્થ પવારની કંપની અમેડિયા એન્ટરપ્રાઇઝીસ એલએલપીને વેચવામાં આવી હતી. હકીકતમાં એ જમીન સરકારી માલિકીની છે અને તેને બીએઆઇને લીઝ પર આપવામાં આવી છે.

જોઇન્ટ ઇન્સ્પેક્ટર જનરલ રજિસ્ટ્રેશન (આઇજીઆર) રાજેન્દ્ર મુથેએ મંગળવારે તેના નેતૃત્વ હેઠળની સમિતિનો અહેવાલ સરકારને સુપરત કર્યો હતો, જેમાં સબ-રજિસ્ટ્રાર આર. બી. તરુ, પાટીલ અને તેજવાનીની ગેરકાયદે વ્યવહારમાં સંડોવણી દર્શાવવામાં આવી હતી.

સરકારી જમીન હોવાથી વેચાણ ગેરકાયદે હોવા ઉપરાંત એ પણ પ્રકાશમાં આવ્યું હતું કે અમેડિયા એન્ટરપ્રાઇઝીશને 21 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button