મહારાષ્ટ્ર

મુંઢવા જમીન સોદો: મુખ્ય પ્રધાને અજિત પવારનું રાજીનામું લેવું જોઈએ: અંજલી દમણિયા

પુણે: સામાજિક કાર્યકર્તા અંજલિ દમણિયાએ બુધવારે એવી માગણી કરી હતી કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનું રાજીનામું માગી લેવું જોઈએ કેમ કે પાર્થના પુત્ર સાથે સંકળાયેલી કંપની મુંઢવાના જમીનના સોદા સાથે સંકળાયેલી હતી.

તેમણે એમ પણ કહ્યું હતું કે જો મુખ્ય પ્રધાન કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો આ માગણી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પાસે કરવા માટે તેમનો સંપર્ક કરશે.

આપણ વાચો: જમીનના સોદામાં કોન્ટ્રેક્ટર સાથે છ લાખની છેતરપિંડી: માતા-પુત્ર સામે ગુનો

પુણે શહેરના મધ્યવર્તી વિસ્તાર મુંઢવામાં 40 એકર જમીનનો ટુકડો પાર્થ પવાર જેમાં બહુમતી ભાગીદાર છે તે અમડિયા એન્ટરપ્રાઇઝિસ એલએલપીને વેચવાનો 300 કરોડ રૂપિયાનો સોદો, તે જમીન સરકારની હોવાનું જાણવા મળ્યા પછી તપાસ હેઠળ આવ્યો હતો અને આ પેઢીને સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાથી મુક્તિ આપવામાં આવી હતી.

અહીં પત્રકારો સાથે વાત કરતા દમણિયાએ કહ્યું, ‘મારી તાત્કાલિક માગણી છે કે મુખ્ય પ્રધાન ફડણવીસે અજિત પવારનું નાયબ મુખ્ય પ્રધાનપદેથી અને પુણેના પાલક પ્રધાનપદેથી રાજીનામું માગવું જોઈએ. હું તેમને ચેતવણી આપું છું કે જો તેઓ આમ નહીં કરે, તો મારી પાસે કાલે દિલ્હી જઈને અમિત શાહને મળવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં.’

સામાજિક કાર્યકરે કહ્યું હતું કે તેમણે શાહના કાર્યાલયને જમીન સોદા કેસમાં તમામ પુરાવાઓ સાથે એક ઇ-મેઇલ મોકલી દીધો છે. ‘હું તેમની પાસે મુલાકાતનો સમય માગવા જઈશ અને જો તેઓ સમય નહીં આપે, તો હું તેમની કાર્યાલયની બહાર બેસીશ,’ એમ પણ તેમણે ઉમેર્યું હતું.

આપણ વાચો: પુત્ર સામે જમીન સોદામાં ગેરરીતિના આરોપો લાગ્યાના બીજા દિવસે અજિત પવાર મુખ્ય પ્રધાન ફડણવીસને મળ્યા

દમણિયાએ આરોપ લગાવ્યો કે સરકારની જમીન અમાડિયા એન્ટરપ્રાઇઝિસ એલએલપીને છેતરપિંડીથી વેચવામાં આવી હતી અને હકીકત જાણવા છતાં, પુણેના કલેક્ટરે કોઈ કાર્યવાહી કરી નથી.

તેમણે એમ પણ કહ્યું કે જમીન સોદા કેસની તપાસ માટે રાજ્ય સરકારે રચેલી વિશેષ તપાસ ટીમ (એસઆઈટી)ને વિખેરી નાખવી જોઈએ કારણ કે તેના છ સભ્યોમાંથી પાંચ પુણેના છે, જેના પવાર પાલક પ્રધાન છે.

‘એક ગંભીર એસઆઈટીની રચના કરવી જરૂરી છે, જેમાં વર્તમાન એડિશનલ ચીફ સેક્રેટરી (વિકાસ ખડગે) સિવાયના અન્ય લોકો, એક નિવૃત્ત ન્યાયાધીશ, એક આઈપીએસ અધિકારી અને એક મહેસૂલ અધિકારીનો સમાવેશ થતો હોય એમ પણ તેમણે કહ્યું હતું.

એસઆઈટીએ 10 દિવસમાં તેનો અહેવાલ સુપરત કરવો જોઈએ, એમ તેણીએ ઉમેર્યું.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button