એકનાથ શિંદેની ગાડીને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી

મુંબઇઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેને જાનથી મારી નાખવાની ધમકી આપતો ઇમેલ મુંબઈ પોલીસને મળ્યો છે. અજાણ્યા વ્યક્તિના આ ઈમેલ બાદ પોલીસને એલર્ટ કરવામાં આવી છે. પોલીસે આ મામલાને તપાસ શરૂ કરી છે.
પોલીસને મળેલા આ ઈમેલમાં એકનાથ શિંદેના વાહનને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ઈમેલ ગોરેગાંવ પોલીસ, જે જે માર્ગ પોલીસ સ્ટેશન અને મંત્રાલયમાં પાઠવવામાં આવ્યો છે. આ ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેના વાહનને બૉમ્બથી ઉડાવી દેવામાં આવશે. આ એક ગંભીર બાબત છે અને પોલીસ પણ તેને ગંભીરતાથી લઈ રહી છે અને ઈમેલ મોકલનારનું આઈપી એડ્રેસ પણ ચકાસી રહી છે. કોઈએ મજાક કરવા ખાતર આવો ઈમેલ કર્યો છે કે કોઈએ આવી ધમકી આપી છે તેની તપાસમાં પણ પોલીસ લાગી છે.
આ પણ વાંચો: મહાયુતિથી નારાજ એકનાથ શિંદેની સુરક્ષામાં મોટી ચૂક: એક સામે કાર્યવાહી
નોંધનીય છે કે આવા ધમકીભર્યા ઈ મેલ અને ફોન કોલ પહેલા પણ ઘણી વખત આવી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ઘણી વખત જાનથી મારવાની ધમકી આપવામાં આવી છે. જો કે, તપાસ બાદ એવું જાણવા મળ્યું છે કે કોઈએ ભય અને આતંક ફેલાવવા માટે આવા ફોન કર્યા હતા. થોડા સમય પહેલા થાણેના એક યુવકે એક એક વીડિયો પોસ્ટ કરીને એકનાથ શિંદે વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા. જ્યારે આ યુવાનની ધરપકડ કરવામાં આવી ત્યારે તે માનસિક રીતે બીમાર હોવાની જાણ થઇ હતી.
આ પણ વાંચો: સંજય રાઉતે હવે એકનાથ શિંદે માટે કરી નવી વાત, ઉદ્ધવ ઠાકરેની હતી એ યોજના….
જોકે, મુંબઈ પોલીસને આવા ધમકી ભર્યા ફોન કે ઇમેલ મળ્યા હોય એવી આ પહેલી ઘટના નથી. ભૂતકાળમાં ઘણીવાર ગેટવે ઓફ ઇન્ડિયા અને ક્યારેક એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપતા ફોન આવ્યા છે. ક્યારેક કોઈ નેતાને મારી નાખવાની ધમકી આપતા ફોન આવ્યા છે. ક્યારેક મુંબઈ પોલીસને ચેતવણી આપતો ફોન આવ્યો છે કે પાકિસ્તાનથી મુંબઈમાં 350 કિલોગ્રામમાં આરડીએક્સ આવ્યું છે. જોકે, તપાસમાં કંઈ મળ્યું નથી. તેથી જ પોલીસ આ વખતે સાવધાન રહીને આગળ વધી રહી છે.