મહારાષ્ટ્ર

મોટરસાઇકલ-બસ વચ્ચેની ટક્કરમાં શખસનું મોત:36 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો એમએસઆરટીસીને આદેશ…

થાણે: મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 2020માં મોટરસાઇકલ અને બસ વચ્ચે થયેલી અથડામણમાં મૃત્યુ પામેલા શખસના પરિવારજનોને 36.31 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી)ને આદેશ આપ્યો હતો. એમએસીટીનાં સભ્ય આર. મોહિતેએ આપેલા આદેશમાં એમએસઆરટીસી બસના ડ્રાઇવર અને મૃતકને અકસ્માત માટે જવાબદાર ઠેરવ્યા હતા.

સુભાષ શિંદે 9 ડિસેમ્બર, 2020ના રોજ મોટરસાઇકલ પર કલ્યાણ-મુરબાડ રોડ પરથી જઇ રહ્યો હતો, ત્યારે સામેથી એસટી બસ આવી રહી હતી અને બંને વચ્ચે ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં શિંદેને ગંભીર ઇજા પહોંચી હતી અને પંદરમી ડિસેમ્બર, 2020ના રોજ સારવાર દરમિયાન શિંદેનું મૃત્યુ થયું હતું.

શિંદેની પત્ની, બે પુત્રી અને વૃદ્ધ માતા-પિતાએ વળતર માટે ટ્રિબ્યુનલનો સંપર્ક સાધ્યો હતો અને જણાવ્યું હતું કે શિંદે એક કંપનીમાં કાયમી કર્મચાારી હતો અને માસિક 26 હજાર રૂપિયાનો પગાર તેને મળતો હતો.મોહિતેએ કહ્યું હતું કે આ અકસ્માત બે વાહન વચ્ચે સામસામી અથડામણ હતી. આથી મારું માનવું છે કે કથિત અકસ્માત બંને ડ્રાઇવરની બેદરકારીને કારણે થયો હતો.

વળતરના મૂલ્યાંકન માટે મૃતકની બેદરકારીનું 20 ટકા અને એસટી બસના ડ્રાઇવરનું 80 ટકા મૂલ્યાંકન કરવામાં આવે છે. ટ્રિબ્યુનલે વધુમાં આદેશ આપ્યો હતો કે મૃતકની પત્ની અને પુત્રીઓ માટે વળતરનો નોંધપાત્ર હિસ્સો ત્રણ વર્ષ માટે ફિકસ્ડ ડિપોઝિટમાં મૂકવામાં આવે, જેથી તેમની લાંબા ગાળાની નાણાકીય સુરક્ષા સુનિશ્ર્ચિત થાય. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button