એમપીએસસીના ઉમેદવારોને પરીક્ષાનું પેપર 40 લાખમાં આપવાની ઓફર: ત્રણ પકડાયા
પુણે: મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી)ની પરીક્ષા માટે તૈયારી કરી રહેલા ઉમેદવારોને કૉલ કરીને પ્રશ્નપત્ર 40 લાખ રૂપિયામાં આપવાની ઓફર કરવા બદલ પુણે પોલીસે ત્રણ જણની ધરપકડ કરી હતી. જોકે પ્રશ્નપત્ર લીક થયાના કોઇ પુરાવા મળ્યા નથી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
પુણે પોલીસની ક્રાઇમ બ્રાન્ચે શનિવારે ધરપકડ કરેલા આરોપીની ઓળખ સુમિત કૈલાસ જાધવ, દીપક ગયારામ ગાયધાને અને યોગેશ સુરેન્દ્ર વાઘમારે તરીકે થઇ હતી.
આ પણ વાંચો: યુનિવર્સિટીઓમાં શિક્ષકોની ભરતીની પ્રક્રિયા ચાન્સેલર દ્વારા અટકાવાઇ
એમપીએસસીનાં સેક્રેટરી સુવર્ણા ખરાતે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં કહ્યું હતું કે એમપીએસસી પરીક્ષાની તૈયારી કરી રહેલા કેટલાક વિદ્યાર્થીઓને અજ્ઞાત નંબર પરથી કૉલ આવ્યા હતા, જેમાં કૉલરે પ્રશ્નપત્ર 40 લાખ રૂપિયામાં આપવાની ઓફર કરી હતી.
ડેપ્યુટી પોલીસ કમિશનર (ક્રાઇમ બ્રાન્ચ) નિખિલ પિંગળેએ કહ્યું હતું કે આ કેસમાં ત્રણ જણની ધરપકડ કરવામાં આવી છે. બે આરોપીને ચાકણ વિસ્તારમાંથી, જ્યારે ત્રીજા આરોપીને નાગપુરથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: એમપીએસસી બોર્ડ દ્વારા પરીક્ષાના સમયપત્રકમાં ફરી ગરબડ : એકજ દિવસે યોજાશે ૩ પરીક્ષાઓ
તપાસ અનુસાર પરીક્ષાનું પેપર લીક થયાના કોઇ પુરાવા મળ્યા નથી અને આ પ્રકરણે તપાસ ચાલી રહી છે, એમ તેમણે કહ્યું હતું.
અધિકારીના જણાવ્યા અનુસાર પોલીસને 24 વિદ્યાર્થીની યાદી મળી છે, જેમને આરોપીઓએ કૉલ કર્યા હતા અથવા કૉલ કરવાના હતા. ત્રણેય આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને મહારાષ્ટ્ર કોમ્પિટિટીવ એક્ઝામ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. (પીટીઆઇ)