વરસાદ ઓક્ટોબર સુધી બનશે મહારાષ્ટ્રનો મહેમાન?: હવામાન વિભાગની આગાહીએ વધારી ચિંતા

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વરસાદે કહેર વરસાવ્યો છે. મરાઠવાડામાં સ્થિતિ કાબૂ બહાર છે અને કેટલાય ગામોમાં પૂરની સ્થિતિ છે. રાજ્યમાં આ વર્ષે વધારે વરસાદ પડ્યો છે અને સરકાર લીલો દુકાળ જાહેર કરી ખેડૂતોની મદદે આવે તેવી માગણી થઈ રહી છે. રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ છે. મુંબઈમાં પણ દિવસમાં બે-ચાર ઝાંપટા વરસાદ નાખતો જાય છે ત્યારે હવામાન ખાતાએ કરેલી આગાહીથી તંત્ર અને જનતા ચિંતામાં પડી ગયા છે.
મોન્સૂન ક્યારે લેશે વિદાય
થોડા દિવસો પહેલા હવામાન ખાતાએ જણાવ્યું હતું કે મોન્સૂન 15-16 સપ્ટેમ્બર સુધીમાં વિદાય લેશે. જોકે હવામાન ખાતાએ કહ્યું હતું કે વિદાય લેતા લેતા અમુક રાજ્યોમાં વરસાદ પડશે, પરંતુ મહારાષ્ટ્રમાં વરસાદી આફત આવી પડી છે.
રાજ્યમાં આ વર્ષે ચોમાસું વહેલું પ્રવેશી ગયું હતું. સમાન્ય રીતે મહારાષ્ટ્રમાં જૂન મહિનાની 10મી તારીખ આસપાસ ચોમાસું પ્રવેશે છે, પરંતુ આ વર્ષે 26મી મેથી ચોમાસું પ્રવેશી ગયું હતું. ત્યારબાદ સમયાંતરે રાજ્યમાં ભારે વરસાદ વરસ્યો છે. મુંબઈમાં પણ વરસાદે ધમાલ મચાવી છે.
આ પણ વાંચો: આ વર્ષે કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો: આ કારણે હવામાન નિષ્ણાંતોએ કરી આગાહી…
ત્યારે હવામાન ખાતાએ જણાવ્યું છે કે અમુક રાજ્યોમાંથી વરસાદ 15 ઑક્ટોબર આસપાસ વિદાય લેશે. હજુ 24થી 27 સપ્ટેમ્બર મહારાષ્ટ્ર સહિત દેશના વિવિધ ભાગોમાં વરસાદ પડવાની આગાહી છે. રાજ્યમાં આગામી ત્રણ-ચાર દિવસ વરસાદનું જોર રહેશે, ત્યારે તંત્ર અને રાજ્ય સરકાર સહિત સામાન્ય જનતા પણ ચિંતા અનુભવે છે. ઓડિશા, આંધ્રપ્રદેશમાં પણ વરસાદની આગાહી છે. પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદે તબાહી મચાવી છે. મહારાષ્ટ્ર, કર્ણાટક સહિતના દક્ષિણના રાજયોમાં પણ ઓક્ટોબર સુધી વરસાદી માહોલ રહે તેવો ઈશારો હવામાન ખાતાએ કર્યો છે.