મહારાષ્ટ્ર

બોલો, મહારાષ્ટ્રના આ શહેરમાં આવેલું છે મોદી ગણપતિ મંદિર, PM નરેન્દ્ર મોદી સાથે છે કનેક્શન?

પુણે: હેડિંગ વાંચીને તમે પણ એવા વિચારમાં પડી ગયા ને કે આખરે મહારાષ્ટ્રના પુણેમાં આવેલા આ મંદિરનો દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે શું સંબંધ હોઈ શકે? કેમ આ મંદિરને મોદી ગણપતિ મંદિર તરીકે ઓળખવામાં આવે છે? ડોન્ટ વરી આજે અમે તમને અહીં એના વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ.

મહારાષ્ટ્રના પુણેની નારાયણ પેઠમાં આવેલું બોમ્બલ્યા ગણપતિ ટેમ્પલ મોદી ગણપતિ નામથી ખુબ જ પ્રચલિત છે અને આ મંદિરની બહાર દરવાજા પર જ મોદી ગણપતિ મંદિર એવું બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. દર વર્ષે આ મોદી ગણપતિ મંદિરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.


હવે વાત કરીએ કે કેમ આ મંદિરને મોદી મંદિર તરીકે ઓળખવામાં આવે છે એની તો આ મંદિરની બાજુમાં જ ખુશરુ શેઠ મોદી નામનું ગાર્ડન આવેલું છે અને આ ગાર્ડનમાંથી જ ગણપતિ બાપ્પાની મૂર્તિ મળી આવી હતી. પરિણામે આ મંદિરને લોકો મોદી ગણપતિ મંદિર તરીકે ઓળખવા લાગ્યા. એટલે આ મંદિરનું પીએમ નરેન્દ્ર મોદી સાથે સ્નાન સૂતકનો પણ સંબંધ નથી.


મંદિર વિશે વાત કરીએ તો આ મોદી ગણપતિ મંદિરનું નિર્માણ ૧૯મી સદીની શરુઆતમાં એટલે કે ઈસવીસન ૧૮૧૧માં ભાટ નામના રત્નાગીરી કોંકણસ્થ બ્રાહ્મણ દ્વારા કરવામાં આવ્યું હતુ. તેમણે જ મંદિરના ગર્ભગૃહમાં સ્વયંભૂ ગણપતિની મૂર્તિની સ્થાપના કરી હતી જ્યારે મંદિરના સભામંડપની વાત કરીએ તો તે ૧૮૬૮માં બાંધવામાં આવ્યો હતો. મંદિરનો સભામંડપ તત્કાલિન પેશ્વાઓના સમયના લાકડાની કોતરકામ અને છત ધરાવે છે અને આ જે પુણેના કસ્બાપેઢ ગણપતિના મંદિરને આબેહૂબ મળતું આવે છે, એવું કહેવાય છે.


સભા મંડપની બાજુમાં આવેલા ઓરડાઓ રહેઠાણ અને વહિવટી કામો માટે વપરાય છે. સભા મંડપની દિવાલોને ભગવાન શ્રી ગણેશના ચિત્રોથી સજાવવામાં આવેલી છે.


ભગવાન ગણેશની મૂર્તિ પિતળના બનાવેલા મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે. સભામંડપની છત કોંકણમાં જોવા મળતા મકાનોની લાક્ષણિકતા દર્શાવે છે.
હવે જ્યારે પણ પુણે જાવ ત્યારે પ્રાચીન અને ઐતિહાસિક વારસો ધરાવતા આ મંદિરની મુલાકાત લેવાનું ચૂકશો નહીં…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button