વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં આરોગ્યના માળખાને બળ મળ્યું: અમિત શાહ

(અમારા પ્રતિનિધિ તરફથી)
નાગપુર: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતના આરોગ્ય માળખાને મોટું બળ મળ્યું છે અને સરકારના પ્રયાસોમાં મદદ કરવા બદલ ખાનગી સંસ્થાઓની પ્રશંસા કરી હતી.
શાહ નાગપુરમાં નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ખાતે કેન્સરના દર્દીઓ અને સંભાળ રાખનારાઓ માટેની રહેણાંક સુવિધા ‘સ્વસ્તી નિવાસ’ નો શિલાન્યાસ કર્યા પછી એક સભાને સંબોધિત કરી રહ્યા હતા.
મોદી સરકારના શાસનમાં 60 કરોડ ગરીબ લોકોને રૂ. પાંચ લાખ સુધીની મફત સારવાર પૂરી પાડવામાં આવી રહી છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્વતંત્રતા પછી સ્થાપિત સાતની સરખામણીમાં હવે 23 ઓલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઆઈઆઈએમએસ-એઈમ્સ)ને મંજૂરી આપવામાં આવી છે.
‘વડાપ્રધાન મોદીના શાસનકાળમાં આરોગ્ય ક્ષેત્ર માટેનું બજેટ રૂ. 1.35 લાખ કરોડ હતું, જ્યારે મનમોહન સિંહ સરકારના શાસનકાળમાં રૂ. 37,000 કરોડ હતું,’ એમ કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું.
આ પણ વાંચો: આતંકી સંગઠનોના નામ લઈને અમિત શાહે જણાવી ઓપરેશન સિંદૂરની હકીકત
તેમણે જણાવ્યું હતું કે તેમણે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને રાષ્ટ્રીય કેન્સર સંસ્થાના પરિસરમાં એક અત્યાધુનિક સંશોધન સુવિધા સ્થાપવા માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ સહાયની ખાતરી આપી છે. તેમણે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી વર્ષોમાં આ સંસ્થા દેશની શ્રેષ્ઠ કેન્સર સારવાર સુવિધા તરીકે ઉભરી આવશે.
તેમણે કેન્સર સંસ્થા માટે કલ્પના બીજ વાવનારા ફડણવીસના પ્રયાસોની પ્રશંસા કરી. ‘કેન્સરની સારવાર લાંબી હોય છે અને દર્દીઓ અને તેમના પરિવારોની પીડા ખૂબ મોટી હોય છે. જે લોકો વ્યક્તિગત રીતે પીડા અનુભવે છે તેમનામાં જ સમાજની સેવા કરવાની ભાવના હોય છે અને મોટા પાયે લોકોના દુ:ખને હળવું કરે છે,’ એમ તેમણે કહ્યું હતું.
અમિત શાહે કહ્યું હતું કે સારા ઇરાદા હંમેશા સમાજને લાભ આપે છે અને સરકારના પ્રયાસો અને ખાનગી સંસ્થાઓના પગલાં પણ મદદ કરે છે. ‘ફડણવીસે 2012માં સંસ્થાની સ્થાપના કરી હતી. આજે, તેઓ બીજી વખત મુખ્ય પ્રધાન છે,’ એમ તેમણે કહ્યું હતું.