મહારાષ્ટ્રમાં રખડતા બાળકો માટે મોબાઇલ વેન: શિક્ષણ અને પુનર્વસનનો પ્રયાસ
'મોબાઇલ સ્ક્વોડ' પહેલથી બાળકોને શિક્ષણ, પોષણ અને સામાજિક સુરક્ષા મળશે

મુંબઈ: સડક પર રઝળતા બાળકોને મેડિકલ ચેકઅપ, કાઉન્સેલિંગ જેવી સુવિધા મળી રહે અને શિક્ષણ મેળવવા તેઓ પ્રોત્સાહિત થાય અને સરવાળે તેમનું પુનર્વસન થાય એ આશય સાથે મહારાષ્ટ્ર સરકાર ટૂંક સમયમાં સામાજિક કાર્યકરોની ટીમ સાથે મોબાઈલ વેન શરૂ કરશે.
મહિલા અને બાળ વિકાસ પ્રધાન અદિતિ તટકરેએ જણાવ્યું હતું કે મુંબઈ, થાણે, પુણે, નાશિક અને નાગપુરમાં એક પાયલટ પ્રોજેક્ટ સફળતાપૂર્વક અમલમાં મૂકાયા બાદ મહારાષ્ટ્ર પ્રધાનમંડળે મંગળવારે આ યોજનાના રાજ્યવ્યાપી અમલીકરણ માટે મંજૂરી આપી દીધી છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રથમ મોબાઇલ ફોરેન્સિક વૅન લોન્ચ કરી
મીડિયાની વાતચીતમાં પ્રધાને જણાવ્યું હતું કે ‘રસ્તે રઝળતા બાળકોને શિક્ષણ અને આરોગ્યના તેમના મૂળભૂત અધિકારોથી વંચિત રાખવા એ સામાજિક અન્યાય છે. ‘મોબાઇલ સ્ક્વોડ’ પહેલ બાળકોને શિક્ષણ, પોષણ, તબીબી સંભાળ અને સામાજિક સુરક્ષા મળી રહેશે.’
મોબાઇલ સ્ક્વોડ રસ્તે રઝળતા બાળકો અને તેમના માતાપિતાને સલાહ આપશે, બાળકોને શાળામાં પ્રવેશ આપશે અને અનાથ અને સિંગલ પેરન્ટના બાળકોને બાળ સંભાળ સંસ્થાઓમાં પ્રવેશ આપશે.
આ ટીમ તબીબી તપાસ અને સારવારની વ્યવસ્થા પણ કરશે, વ્યસનમુક્તિ માટે સહાય પૂરી પાડશે, કુપોષણથી પીડાતા બાળકોને અથવા શારીરિક પડકારો ધરાવતા બાળકોને મદદ કરશે, સ્થાનિક એનજીઓ અને વ્યાવસાયિકો દ્વારા પુનર્વસનની સુવિધા આપશે, કિશોરો માટે ઉપચાર અને વ્યાવસાયિક સેવાઓ ઉપલબ્ધ કરાવશે અને બાળકોને વિવિધ સરકારી યોજનાઓ સુધી પહોંચવામાં મદદ કરશે.
પ્રધાનમંડળે મંગળવારે 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં કુલ રૂ. 8.06 કરોડના બજેટ સાથે 31 મોબાઈલ વેન તૈનાત કરવાની મંજૂરી આપી છે. 31 વેનમાંથી ત્રણ વેન મુંબઈમાં ફરશે એવી જાણકારી પ્રધાને આપી હતી.
(પીટીઆઈ)