એબીવીપીની ઓફિસમાં ઘૂસી ધીંગાણું મચાવવાનો પ્રયાસ:પોલીસે મનસેની વિદ્યાર્થી પાંખના સભ્યો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો…

પુણે: પુણે શહેરની કોલેજ ખાતે લગાવવામાં આવેલા પોસ્ટર્સને કારણે થયેલા વિવાદ બાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ની ઓફિસમાં ઘૂસવા બદલ પોલીસે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ની વિદ્યાર્થી પાંખના કેટલાક સભ્યો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
સદાશિવ પેઠ વિસ્તારમાં આવેલી એબીવીપીની ઓફિસને લૉક કરીને આરોપીઓએ ત્યાં ધીંગાણું મચાવવાનો પ્રયાસ કર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર વાડિયા કોલેજ ખાતે કેટલીક જગ્યાએ મનસેની વિદ્યાર્થી પાંખનો ‘બહિષ્કાર’ કરો એવા સંદેશ સાથેનાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યાં હતાં. પોસ્ટર્સમાં એબીવીપીનો ઉલ્લેખ પણ હતો.
દરમિયાન મનસેની વિદ્યાર્થી પાંખના કેટલાક સભ્યો સદાશિવ પેઠ ખાતેની એબીવીપીની ઓફિસમાં ઘૂસી આવ્યા હતા અને ધીંગાણું મચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ મનસે વિદ્યાર્થી પાંખના કેટલાક સભ્યો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.
એબીવીપીના સભ્યએ જણાવ્યું હતું કે તેમના સંગઠનના નામે વાડિયા કોલેજમાં અજાણી વ્યક્તિ દ્વારા પોસ્ટર્સ લગાવવામાં આવ્યાં હતાં. આ ઘટના બાદ અમે મનસે વિદ્યાર્થી પાંખના અમુક સભ્યો સાથે ચર્ચા કરી હતી, પણ તેઓ કોઇ સ્ટન્ટ કરવા માગતા હોવાથી તેઓ એબીવીપીની ઓફિસમાં ઘૂસી આવ્યા હતા અને ધીંગાણું મચાવવાનો પ્રયાસ કર્યો હતો. (પીટીઆઇ)
આ પણ વાંચો…માફી માગ્યા પછી પણ મહિલાને લાફો માર્યો: મનસેની મહિલા પદાધિકારીની ટીકા