ફવાદ ખાનની બોલિવૂડમાં વાપસીને મનસેનો વિરોધ
મહારાષ્ટ્રમાં ‘અબીર ગુલાલ’ રિલીઝ ન કરવાની ચેતવણી, વિવાદમાં પાકિસ્તાની ફિલ્મ?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પાકિસ્તાની સ્ટાર ફવાદ ખાનની બોલીવુડમાં વાપસીની ફિલ્મ ‘અબીર ગુલાલ’ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. ભારતમાં રિલીઝ થતી પાકિસ્તાની ફિલ્મો સામે હવે મનસેએ આક્રમક વલણ અપનાવ્યું છે. ફવાદ ખાનની કમ-બેક હિન્દી ફિલ્મ ‘અબીર ગુલાલ’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ એક પ્રેમકથા છે. આ ફિલ્મ ભારતમાં નવમી મેના રોજ રિલીઝ થવાની છે. ટીઝરની થોડીક સેક્ધડોમાં પાકિસ્તાની ફિલ્મની ઝલક જોઈ શકાય છે, પરંતુ, હવે મહારાષ્ટ્ર નવનિર્માણ ચિત્રપટ સેનાના પ્રમુખ અમેય ખોપકરે જણાવ્યું છે કે પાકિસ્તાની કલાકારની ‘અબીર ગુલાલ’ને રિલીઝ થવા દેવામાં આવશે નહીં.
મનસેના અમેય ખોપકરે ચેતવણી આપી છે કે પાકિસ્તાની કલાકારની ફિલ્મ ‘અબીર ગુલાલ’ રિલીઝ થવા દેવામાં આવશે નહીં. પાકિસ્તાની કલાકારોને તમે આદરપૂર્વક માથે બેસાડો, પરંતુ યાદ રાખજો કે મુકાબલો અમારી સાથે છે, એમ અમેય ખોપકરે ટ્વિટ પણ કર્યું છે.
આટલી વાર કહેવા છતાં પણ એ જ પુનરાવર્તન: અમેય ખોપકર
મનસેના ચિત્રપટ સેનાના પ્રમુખ અમેય ખોપકરે કહ્યું હતું કે, ‘પાકિસ્તાની કલાકારોની ફિલ્મો ભારતમાં રિલીઝ થવા નહીં દેવામાં આવે એવું ઘણી વાર કહેવા છતાં, કેટલાક લોકો સડેલી કેરીઓ હજુ પણ ચૂંટી રહ્યા છે, પછી મનસેના કાર્યકરોએ તેમને કચરાપેટીમાં ફેંકવાનું કામ કરવું પડશે અને અમે તે કરીશું અને તે કરતા રહીશું. ફિલ્મ ‘અબીર ગુલાલ’ ભારતમાં કોઈપણ સંજોગોમાં રિલીઝ થવા નહીં દેવાય. જે લોકો પાકિસ્તાની કલાકારોને માથે લેવા માગતા હોય તેઓ લઈ શકે છે, પરંતુ યાદ રાખો કે તમારો સામનો અમારી સાથે થશે.’
મનસે આ પહેલાં પણ ફવાદની ફિલ્મોનો વિરોધ કરી ચૂકી છે
ફવાદ ખાનની વાપસી પહેલા, તેમની ફિલ્મ ‘ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ’ને લઈને ઘણો વિવાદ થયો હતો. મનસેએ ભારતમાં આ ફિલ્મની રિલીઝનો વિરોધ કર્યો હતો અને રાજ ઠાકરેએ વિરોધ કરતા કહ્યું હતું કે પાકિસ્તાની કલાકારો ધરાવતી કોઈપણ ફિલ્મ મહારાષ્ટ્રમાં રિલીઝ થવા દેવામાં આવશે નહીં. હવે ‘અબીર ગુલાલ’માં પણ એ જ વાતનું પુનરાવર્તન જોઈ રહ્યા છીએ.
ફવાદ ખાને 2014માં ફિલ્મ ‘ખૂબસુરત’થી બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, ત્યારબાદ તેણે ‘કપૂર એન્ડ સન્સ’ (2016) અને ‘અય દિલ હૈ મુશ્કિલ’ (2016) જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. હવે આઠ વર્ષ પછી તે ફરી એકવાર બોલિવૂડમાં પોતાની વાપસી માટે તૈયાર છે. પરંતુ, એકંદરે, ફવાદની ફિલ્મ સામે મનસે તરફથી વધી રહેલા વિરોધને જોતાં, એ સ્પષ્ટ છે કે ‘અબીર ગુલાલ’ મહારાષ્ટ્રના મોટાભાગના ભાગોમાં વિવાદમાં ફસાઈ જશે.