EVM સાથે ચેડાંઃ ‘મનસે’ના ઉમેદવારને 2 નહીં, 53 મત મળ્યા હોવાની સ્પષ્ટતા
મુંબઈ: દહિસર વિધાનસભા મતવિસ્તારના મનસેના ઉમેદવારે તેમને ફક્ત બે મત મળ્યા હોવાનો દાવો કર્યો હતો, પરંતુ તેમને 2 નહીં, 53 મત મળ્યા હતા એવી સ્પષ્ટતા મુંબઈ પાલિકાએ આજે કરી હતી. મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના ઉમેદવાર રાજેશ યેરુન્કરના ઇવીએમ સાથે ચેડાં કરાયા હોવાના આક્ષેપોને પાલિકાએ ‘એક્સ’ પર પોસ્ટ કરીને નકારી કાઢ્યા હતા.
વાઇરલ થયેલા વીડિયોમાં યેરુન્કરે આક્ષેપ કર્યો હતો કે ચૂંટણીના ડેટા અને ઇવીએમના આંકડામાં ફેરફાર છે. તેમને ફક્ત બે મત મળ્યા હતા, જ્યારે કે તેમના પરિવારના ચાર સભ્યએ મત આપ્યા હતા.
દહિસરની તે બેઠક પર ભાજપનાં ઉમેદવાર મનીષા ચૌધરીનો વિજય થયો હતો. તેમને 98,587 મત મળ્યા હતા અને હરીફ વિનોદ ઘોસાળકરને માત આપી હતી. ત્રીજા ક્રમાંકે યેરુન્કર હતા. યેરુન્કર દ્વારા કરવામાં આવેલા આક્ષેપોમાં કોઇ તથ્ય નથી, એમ પાલિકાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું. વિધાનસભાની ચૂંટણીમાં મુંબઈ શહેર અને પરાં વિસ્તાર માટે પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની ફરજ બજાવી હતી.
આ પણ વાંચો : Election Result: ૧૨૮ ઉમેદવાર ઊભા રાખનારી મનસેએ ખાતું પણ ન ખોલાવ્યું…
દરેક ઉમેદવારને મળેલા મતની માહિતી ભેગી કરનાર ફોર્મ ૧૭-સી પ્રમાણે યેરુન્કરને ૫૩ મત મળ્યા હતા. ઉમેદવારને ફક્ત બે મત મળ્યા હોવાની ફરિયાદમાં કોઇ તથ્ય નથી, એમ પાલિકાએ સ્પષ્ટતા કરીને આક્ષેપોને નકારી કાઢ્યા હતા.