પહલગામ આતંકવાદી હુમલો: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પીડિતો માટે પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બાવીસમી એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા કાયરતાપુર્ણ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા પીડિતોના દરેક પરિવારને પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ હુમલામાં છ પ્રવાસીઓના મોત થયા હતા, જે બધા મહારાષ્ટ્રના રહેવાસી હતા, જેમાં કેટલાક પુણેના અને અન્ય મુંબઈના હતા.
આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કરતા મુખ્ય પ્રધાન ફડણવીસે કહ્યું હતું કે, ‘પહલગામમાં થયેલા કાયરતાપુર્ણ આતંકવાદી હુમલામાં મહારાષ્ટ્રના કુલ છ લોકોએ જીવ ગુમાવ્યા હતા.’
આ પણ વાંચો: સંજય રાઉતે પહલગામ આતંકવાદી હુમલા માટે ભાજપની ‘નફરતની રાજનીતિ’ને જવાબદાર ગણાવી
મુખ્ય પ્રધાને નશ્ર્વર અવશેષોના પરિવહનની વિગતો પણ શેર કરી. સંજય લેલે અને દિલીપ દેસાલેના મૃતદેહોને એર ઈન્ડિયાની ફ્લાઇટમાં મુંબઈ લાવવામાં આવશે, હેમંત જોશી અને અતુલ મોનેને પણ બીજી ફ્લાઈટમાં મુંબઈ લાવવામાં આવ્યા હતા. પુણેના રહેવાસી કૌસ્તુભ ગણબોટે અને સંતોષ જગદાલેને શ્રીનગરથી સાંજે અલગ ફ્લાઇટમાં પુણે લાવવામાં આવશે એમ જણાવવામાં આવ્યું હતું.
મુંબઈમાં વ્યવસ્થાનું સંકલન કરવા માટે મિનિસ્ટરો આશિષ શેલાર અને મંગલપ્રભાત લોઢા મુંબઈ એરપોર્ટ પર હાજર હતા, જ્યારે મિનિસ્ટર માધુરી મિસાળને પુણે એરપોર્ટ પર જવાબદારીઓ સોંપવામાં આવી હતી. મિનિસ્ટર ગિરીશ મહાજન પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા અને મહારાષ્ટ્રના બાકીના ફસાયેલા પ્રવાસીઓને મદદ કરવા માટે શ્રીનગર રવાના થયા હતા.
રાજ્ય સરકાર અન્ય ફસાયેલા પ્રવાસીઓના સુરક્ષિત પરત ફરવા અને પીડિતોના પરિવારોને જરૂરી તમામ સહાય પૂરી પાડવા માટે જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્ર અને નાગરી ઉડ્ડયન મંત્રાલય સાથે સંકલન સાધીને કામ કરી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું.