અફવા સાચી નીકળીઃ પંજો છોડી ‘Milind Deora’ એકનાથ શિંદેનો હાથ પકડશે
મુંબઈઃ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મુરલી દેવરાના પુત્ર અને કેન્દ્રમાં પ્રધાન રહી ચૂકેલા મિલિન્દ દેવરાએ સવાર સવારમાં કૉંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. જોકે તેઓ કૉંગ્રેસ છોડશે તેવી અટકળો ચાલતી હતી, પરંતુ દેવરાએ તેને નકારી હતી. આજે સવારે ટ્વીટ કરી તેણે અટકળોને સાચી ઠેરવી દીધી છે અને હવે તેઓ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થવાના હોવાના સમાચારો આવ્યા છે.
ઈન્ડિયા ગઠબંધનમાં લોકસભાની બેઠકોની ચર્ચા ચાલી રહી છે અને ચર્ચા દરમિયાન મિલિન્દની દક્ષિણ મુંબઈની બેઠક પર ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ દાવો કર્યો છે. આ બેઠક પર શિવસેના-ભાજપની યુતિ સમયે અરવિંદ સાવંત જીત્યા હતા અને મિલિન્દે મોદીલહેરને લીધે હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ બેઠક વર્ષોથી દેવરા પરિવારનો ગઢ રહ્યો છે.
આ ચર્ચાઓ બાદ મિલિન્દ નારાજ હોવાનો અને કૉંગ્રેસ સાથે છેડો ફાડશે તેવી અટકળો તેજ બની હતી ત્યારે આજે કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની ન્યાય યાત્રાના આરંભના દિવસે જ આ નિર્ણય જાહેર કરી મહારાષ્ટ્ર સહિત દેશના રાજકારણમાં ઘ્રુજારી લાવી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેવરા પરિવાર ગાંધી પરિવારની નજીકનો માનવામાં આવે છે અને રાહુલ ગાંધીની યંગ બ્રિગેડમાં મિલિન્દ મહત્વનો ચહેરો માનવામાં આવતો હતો.
હવે તે એકનાથ શિંદેની શિવસેના સાથે જોડાશે તેથી દક્ષિણ મુંબઈની ટિકિટ ફરી તેને મળશે તેવી સંભાવનાઓ પ્રબળ છે. મિલિન્દનું આ રીતે કૉંગ્રેસ છોડવાનો નિર્ણય કૉંગ્રેસ સહિત ઈન્ડિયા ગઠબંધન માટે પણ પડકારરૂપ સાબિત થઈ શકે તેમ છે.
જોકે કૉંગ્રેસે મિલિન્દને કેન્દ્રમાં રાજ્યના પ્રધાનપદથી માંડી ઘણા પદ આપ્યા હતા. મિલિન્દને ગુજરાતમાં પણ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. જોકે છેલ્લા ઘણા સમયથી કૉંગ્રેસના ઘણા નેતા નારાજ છે અને એક પછી એક પક્ષ છોડતા જાય છે. મિલિન્દના રાજીનામા બાદ કૉંગ્રેસ સાથીપક્ષો સાથે બેઠક વહેંચણી મામલે વધારે સતર્ક બનવું પડશે, તે વાત નક્કી છે.
મિલિન્દ આજે પ્રભાદેવી ખાતે સિદ્ધિ વિનાયક મંદિરના દર્શન કરી લગભગ 400 જેટલા સમથર્કો સાથે મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન વર્ષા બંગલો ખાતે શિંદેની શિવસેનામાં પ્રવેશ કરશે, તેમ જાણવા મળ્યું છે.