સાંગલીની ફેક્ટરીમાંથી 252 કરોડના મેફેડ્રોનની જપ્તી

આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટના મોટા માથાને દુબઇથી ડિપોર્ટ કરી મુંબઈ લાવવામાં આવ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સાંગલીમાં ફેક્ટરીમાંથી 252 કરોડ રૂપિયાના મેફેડ્રોન ડ્રગ્સની જપ્તીના કેસમાં વોન્ટેડ તેમ જ રેડ કોર્નર નોટિસનો સામનો કરી રહેલા મોહંમદ સલીમ મોહંમદ સુહેલ શેખને દુબઇથી ડિપોર્ટ કરીને બુધવારે મુંબઈ લાવવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ટિકેટનો મુખ્ય સભ્ય મોહંમદ સલીમ શેખ દુબઇમાં બેઠાં બેઠાં કાચા માલની ખરીદી, ડ્રગ્સનું ઉત્પાદન, વેચાણ અને વિતરણની ચેઇનનું સંચાલન કરતો હતો. મુંબઈ લવાયેલા મોહંમદ સલીમની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મોહંમદ સલીમ શેખને થોડા દિવસ અગાઉ દુબઇમાં ‘સિસ્ટર એજન્સીઓ’ દ્વારા તાબામાં લેવાયો હતો અને બાદમાં તેને મુંબઈ લવાયો હતો. ધરપકડ બાદ મોહંમદ સલીમને કોર્ટમાં હાજર કરાતાં તેને 30 ઑક્ટોબર સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.
મોંઘાં કપડાં, ઘડિયાળો તથા લકઝરી કારનો શોખ ધરાવતો મોહંમદ સલીમ ડ્રગ કાર્ટેલમાં ‘વૈભવી જીવનશૈલી’ માટે જાણીતો છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ અને તેલંગણા સહિત દેશભરમાં ડ્રગ કાર્ટેલ દ્વારા સ્થાપિત મેફેડ્રોન બનાવવાની ફેક્ટરીઓના સંચાલન માટે તે જવાબદાર છે. દક્ષિણ મુંબઈના ડોંગરી વિસ્તારનો રહેવાસી મોહંમદ સલીમ છેલ્લાં ત્રણ વર્ષથી દુબઇમાં રહેતો હતો. અગાઉ તે સલીમ ડોલા સાથે કેટરિંગનો વ્યવસાય ચલાવતો હતો, ઑગસ્ટ, 2020માં તે દેશ છોડીને જતો રહ્યો હતો,
આ પણ વાંચો: થાણેમાં 75 લાખના મેફેડ્રોનની જપ્તિના કેસમાં વધુ એકની ધરપકડ
મોહંમદ સલીમ આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટનો મહત્ત્વનો સભ્ય છે, જે સલીમ ડોલા ઑપરેટ કરે છે. આ કેસમાં સલીમ ડોલા વોન્ટેડ છે અને તેની સામે પણ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી છે. મોહંમદ સલીમ ત્રીજો આરોપી છે, જેને યુનાઇટેડ અરબ એમિરેટ્સથી ડિપોર્ટ કરીને ભારત લાવવામાં આવ્યો છે. આ વર્ષની શરૂઆતમાં તાહિર સલીમ ડોલા (સલીમ ડોલાના પુત્ર) અને માસ્ટરમાઇન્ડ મુસ્તફા મોહંમદ કુબ્બાવાલાને ભારત લવાયા બાદ તેમની ધરપકડ કરાઇ હતી.
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે 252 કરોડના મેફેડ્રોનની જપ્તીના કેસમાં મહિલા સહિત પંદર લોકોની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે આરોપીઓની શહેરમાં સાત કરોડ રૂપિયાની સ્થાવર-જંગમ મિલકતો જપ્ત કરી હતી.
આ પણ વાંચો: ફૂડ ડિલિવરી એજન્ટ સહિત બેની ધરપકડ: ચાર કરોડનું મેફેડ્રોન જપ્ત
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી, 2024માં કુર્લા પશ્ર્ચિમથી 12.20 લાખના ડ્રગ્સ સાથે પરવીનબાનો શેખની ધરપકડ કરી હતી. મહિલા પાસે મળેલું ડ્રગ્સ દુબઇમાં રહેતા વોન્ટેડ આરોપીના મુંબઈના સાગરીત સાજીદ શેખ પાસેથી ખરીદાયું હતું, જેને બાદમાં પકડી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન દુબનિા વોન્ટેડ આરોપીના સંપર્કમાં રહીને સાંગલીની ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવા માટે લાગનારો કાચો માલ પૂરો પાડનારા અને તૈયાર થયેલું ડ્રગ્સ વેચનારા સુરતના બે આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી.
દરમિયાન પોલીસની ટીમે માર્ચ, 2024માં સાંગલીના ઇરળી ગામમાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કરીને ત્યાંથી 252 કરોડનું મેફેડ્રોન જપ્ત કર્યું હતું અને છ આરોપીને ઝડપી પાડ્યા હતા. ડ્રગ્સની ખરીદી-વેચાણનો વ્યવહાર જે આંગડિયા મારફત કરવામાં આવતો હતો તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે આરોપીઓ વિરુદ્ધ આરોપનામું દાખલ કર્યું હતું.