જળસંકટઃ મરાઠવાડાના ૭૬માંથી ૫૧ તાલુકામાં ભૂગર્ભજળનું સ્તર નીચે ગયું

છત્રપતિ સંભાજીનગરઃ મહારાષ્ટ્રના મરાઠવાડામાં ૭૬ માંથી ૫૧ તાલુકાઓમાં ભૂગર્ભજળનું સ્તર ત્રણ મીટરથી વધુ નીચે ગયું છે. અન્ય સાત જિલ્લાઓની સરખામણીમાં નાંદેડ જિલ્લામાં ગયા વર્ષે સારો વરસાદ પડ્યો હોવાથી સ્થિતિ થોડી સારી છે, એમ સત્તાવાર અહેવાલમાં જણાવાયું હતું.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અહીં એક બેઠક યોજીને આ મધ્ય મહારાષ્ટ્ર ક્ષેત્રમાં દુષ્કાળની સ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્ય પ્રધાનને સુપરત કરાયેલા સત્તાવાર અહેવાલમાં જણાવાયું છે કે ૧૮ તાલુકાઓમાં ભૂગર્ભજળનું સ્તર એક મીટર સુધી, ૧૫ તાલુકાઓમાં એકથી બે મીટર સુધી, ૧૪ તાલુકાઓમાં બેથી ત્રણ મીટરની વચ્ચે અને ચાર તાલુકામાં ત્રણ મીટરથી વધુ નીચે ગયું છે.
બીડ અને લાતુર જિલ્લામાં આ સમસ્યા વધુ ગંભીર છે જ્યાં દરેક દસ તાલુકામાં ભૂગર્ભજળના સ્તરમાં ઘટાડો નોંધાયો છે. છત્રપતિ સંભાજીનગરમાં નવ તાલુકાઓમાં ભૂગર્ભજળના સ્તરમાં ઘટાડો નોંધાયો છે. ધારાશિવ જિલ્લાના આઠ તાલુકાઓમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી છે. નાંદેડમાં ૧૬ માંથી માત્ર એક તાલુકામાં ભૂગર્ભજળના સ્તરમાં ઘટાડો નોંધાયો છે.
આ પણ વાંચો : મરાઠવાડા, વિદર્ભ તપ્યુંઃ સરેરાશ તાપમાન ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો
મરાઠવાડામાં છત્રપતિ સંભાજીનગર, જાલના, બીડ, લાતુર, ધારાશિવ, નાંદેડ, પરભણી અને નાંદેડ જિલ્લાઓનો સમાવેશ થાય છે. દુષ્કાળગ્રસ્ત પ્રદેશમાં ગયા ચોમાસામાં ૫૮૯.૯ મીમી વરસાદ નોંધાયો હતો, જે વાર્ષિક સરેરાશ ૭૫૧ મીમી વરસાદ કરતાં ૨૧.૪૪ ટકા ઓછો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં ૧,૨૪૯ ગામો અને ૫૧૨ ગામડાઓ પાણી પુરવઠા માટે ટેન્કરો પર નિર્ભર છે.