મરાઠવાડામાં ખેડૂતોની આત્મહત્યામાં 20 ટકાનો વધારો: 2025 ના પ્રથમ છ મહિનામાં 520 મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યના મહેસૂલ વિભાગના અહેવાલ મુજબ, મહારાષ્ટ્રના મરાઠવાડા ક્ષેત્રના આઠ જિલ્લાઓમાં જાન્યુઆરીથી જૂન (26 જૂન સુધી) 2025 દરમિયાન 520 ખેડૂતોની આત્મહત્યા નોંધાઈ છે, જે ગયા વર્ષના આ જ સમયગાળામાં નોંધાયેલા 430 કરતા 20 ટકા વધુ છે.
ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ છ મહિનામાં 126 ખેડૂતોની આત્મહત્યા સાથે બીડ જિલ્લો મધ્ય મહારાષ્ટ્ર ક્ષેત્રમાં આ યાદીમાં ટોચ પર છે.
મરાઠવાડાના આઠ જિલ્લાઓમાં જાન્યુઆરીથી જૂન 2024 દરમિયાન 430 ખેડૂત આત્મહત્યા જોવા મળી હતી. 2025માં આ જ સમયગાળા દરમિયાન (26 જૂન સુધી) 520 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી, એમ અહેવાલમાં જણાવાયું છે.
આ ખેડૂતોની આત્મહત્યામાં લગભગ 20 ટકાનો વધારો દર્શાવે છે.
આ પણ વાંચો: મરાઠવાડામાં નદી કિનારેના ગામોને તાકીદની સ્થિતિમાં જાણકારી આપવા પોલીસે ડ્રોનની કરી માગણી
જાન્યુઆરી-જૂન 2024ના સમયગાળા દરમિયાન પણ, બીડ 101 ખેડૂત આત્મહત્યાના કેસ સાથે જિલ્લાઓમાં ટોચ પર રહ્યું, એમ પણ અહેવાલમાં જણાવાયું છે.
આ વર્ષે 313 પાત્ર કેસમાંથી 264માં અસરગ્રસ્ત પરિવારોને એક્સ-ગ્રેશિયાની ચુકવણી કરવામાં આવી છે, જ્યારે 146 કેસ તપાસ હેઠળ છે. ઉપરાંત, 61 કેસ વળતર માટે અયોગ્ય હોવાનું જાણવા મળ્યું છે, જે ગયા વર્ષે જાન્યુઆરી-જૂનમાં 20 કેસ કરતા ત્રણ ગણો વધારો છે, એમ પણ આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
જાન્યુઆરી-જૂન 2025 દરમિયાન જિલ્લા આધારિત ખેડૂત આત્મહત્યાના કેસ: બીડ (126), છત્રપતિ સંભાજીનગર (92), નાંદેડ (74), પરભણી (64), ધારાશિવ (63), લાતુર (38), જાલના (32) અને હિંગોલી (31).