પૂરથી પ્રભાવિત ખેડૂતોને કેન્દ્ર તરફથી મદદ મળી નથી: શરદ પવાર...
મહારાષ્ટ્ર

પૂરથી પ્રભાવિત ખેડૂતોને કેન્દ્ર તરફથી મદદ મળી નથી: શરદ પવાર…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: રાજ્યના મરાઠવાડા અને સોલાપુરના આઠ જીલ્લામાં લીલા દુકાળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે, ખેડૂતોના પાકની સાથે જમીનનું પણ ધોવાણ થઈ ગયું છે. અનેક સ્થળે શેરડીઓ સપાટ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં હતાશ થઈ ગયેલા ખેડૂતોને તાત્કાલિક ટેકો અને મદદની આવશ્યકતા છે, એમ જણાવતાં એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે કેન્દ્ર સરકારને અંતિમ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો ન હોવાથી મદદ મળી નથી.

નાંદેડ, પરભણી, જાલના, ધારાશિવ, સોલાપુર, બીડમાં પાકને ઘણું નુકસાન થયું છે. કેટલું નુકસાન થયું છે તેની સમીક્ષા તાકીદે કરવાની જરૂર હતી. અમે આ અંગે ચર્ચા કરી છે. 12 ઓક્ટોબરે ખાંડ ફેક્ટરીઓની બેઠક બોલાવવામાં આવી છે. તેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારો સાથે થયેલા નુકસાન અંગે કેવી રીતે વાતચીત કરવી તે અંગે નિર્ણય લેવામાં આવશે.

અમે મહારાષ્ટ્ર સરકાર પાસેથી હવે વધુ મદદની અપેક્ષા રાખીએ છીએ. ત્યારે રાજ્ય સરકાર ખેડૂતોને મદદ કરવાને બદલે શેરડીના ખેડૂતો પાસેથી મોટી રકમ મુખ્ય પ્રધાન રાહત ભંડોળ માટે માગી રહ્યા છે તે જોઈને અમને નવાઈ લાગે છે. જ્યારે શેરડીના ખેડૂતોને મદદની આવશ્યકતા છે, ત્યારે તેમની પાસેથી બળજબરી પૈસા વસૂલવા અયોગ્ય છે. સરકારે આ બાબતે ફેરવિચાર કરવો જોઈએ.

કેન્દ્ર સરકાર તરફથી હજી સુધી મદદ ન થઈ રહી હોવાનો મુદ્દો ઉઠાવતાં તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારે હજી સુધી અંતિમ પ્રસ્તાવ મોકલ્યો ન હોવાથી કેન્દ્રની મદદ મળી નથી એમ મારા સાધનો પાસેથી મને જાણવા મળ્યું છે. મારે આ મુદ્દે કોઈ ટિપ્પણી કરવી નથી ફક્ત રાજ્ય સરકારને અપીલ છે કે વહેલામાં વહેલી તકે કેન્દ્ર સરકારને અંતિમ પ્રસ્તાવ મોકલીને ખેડૂતોને રાહત અપાવવામાં આવે.

આ પણ વાંચો…મહારાષ્ટ્રમાં ચક્રવાત શકિત ત્રાટકવાની શકયતા, મુંબઈ સહિત અનેક જીલ્લાઓ માટે ચેતવણી જાહેર

સંબંધિત લેખો

Back to top button