Maratha Reservations: 21 ટકા મરાઠા ગરીબી રેખા નીચે જીવે છેઃ અહેવાલ
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે વિશેષ વિધાનસભા સત્ર બોલાવી મરાઠા સમાજને દસ ટકા આરક્ષણનો ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો છે. આ માટે મહારાષ્ટ્ર રાજ્ય કમિશન ફોર બેકવર્ડ ક્લાસ (SCMBC) દ્વારા એક અહેવાલ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ હજુ પબ્લિક ડોમેનમાં નથી, પરંતુ એક અખબારી અહેવાલમાં અમુક મુદ્દાઓ બહાર આવ્યા છે. અહેવાલ જણાવે છે કે રાજ્યમાં મરાઠા વસ્તી 28% છે, જેમાંના 21.22% ગરીબી રેખા નીચે જીવે છે, જે રાજ્યની સરેરાશ 17.4% કરતા નોંધપાત્ર રીતે વધારે છે. વધુમાં, અહેવાલ દર્શાવે છે કે રાજ્યમાં નોંધાયેલી ખેડૂતોની આત્મહત્યામાંથી 94% ખેડૂત મરાઠા સમુદાયના છે, અને 84% સમુદાય નોન-ક્રિમી લેયર કેટેગરીમાં આવે છે, જેની વાર્ષિક આવક ₹8 લાખથી ઓછી છે, તેમ પણ અહેવાલ જણાવે છે.
આ અહેવાલમાં 250 પોઈન્ટ્સના આધારે સમુદાયનું સામાજિક, આર્થિક અને શૈક્ષણિક માપદંડો દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેમાંથી 170 પોઈન્ટ્સ જણાવે છે કે આ સમુદાય પછાતપણાને આધારે અનામત માટે યોગ્ય છે. આ અહેવાલ માટે 154 પ્રશ્નો ધરાવતી પ્રશ્નાવલીને સામાજિક પછાતપણા માટે 110 પોઈન્ટ, શૈક્ષણિક પછાતપણા માટે 80 અને આર્થિક પછાતપણા માટે 60 પોઈન્ટ સાથે ત્રણ પેટા કેટેગરીમાં વિભાજિત કરવામાં આવી હતી.
જેમાં આર્થિક પછાતપણા પર 60 માંથી 50, શૈક્ષણિક પરિમાણો પર 80 માંથી 40 અને સામાજિક પરિમાણો પર 110 માંથી 80 અંકના આધારે તેમની સ્થિતિનો ક્યાસ કાઢવામાં આવ્યો હતો. અહેવાલમાં સમુદાયના સભ્યોની ઘટતી આવકના કારણો તરીકે પાકની નિષ્ફળતા અને જમીનના વિભાજનને પણ જવાબદાર ગણવામાં આવ્યું છે.
SCMBC એ 154 પ્રશ્નોને આધારે 1.96 લાખ લોકોની મદદથી 1.58 લાખ પરિવારોનો સર્વે કર્યો હતો. આ અહેવાલ જાહેર કરવામાં આવ્યો નથી ત્યારે મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ માહિતી મળી છે.