મનોજ જરાંગેની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

મરાઠા આરક્ષણના મુદ્દે જનજાગૃતિ લાવવાના હેતુથી રાજ્યનો પ્રવાસ કરી રહેલા મરાઠા કાર્યકર્તા મનોજ જરાંગે-પાટીલની તબિયત લથડતા તેમને સંભાજીનગરની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેમનો મરાઠવાડા પ્રદેશનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર જરાંગે-પાટીલ મરાઠવાડા પ્રદેશ ના ધારાશિવની મુલાકાતે હતા, જ્યાં તેઓએ યેડેશ્વરી મંદિરની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ તેમના નિર્ધારિત પ્રવાસ માટે આગળ વધી રહ્યા હતા તે સમયે તેમને અસ્વસ્થતા અનુભવાઇ હતી, તેથી તેમને તુરંત સંભાજીનગરની ગેલેક્સી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
મનોજ જરાંગે-પાટીલ મહારાષ્ટ્રમાં સતત મરાઠા આરક્ષણની માંગ કરી રહ્યા છે.
આ મુદ્દે તેઓ કેટલીક વાર ઉપવાસ પર પણ ગયા છે. મનોજ જરાંગેના પ્રયાસોને કારણે જ મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને અનામત આપતો કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. પરંતુ મનોજ જરાંગે કંઈક બીજી જ માંગ કરી રહ્યા છે.
ગયા વર્ષે અનિશ્ચીત મુદતના ઉપવાસ અને વિરોધ બાદ તેમણે રાજ્ય સરકારને મરાઠા સમુદાયને અનામત આપવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. તેમના પ્રયાસો બાદ આ વર્ષે ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારે મરાઠાઓને 10 ટકા અનામતની ઓફર કરી હતી. જોકે, મનોજ જરાંગે 10 ટકા અનામત ક્વોટાથી ખુશ નથી. તેમની માગણી કંઇ બીજી જ છે.
તેઓ માગણી કરી રહ્યા છે કે સરકાર ‘સેજ સોઇર’ પરના ડ્રાફ્ટ નોટિફિકેશનનો અમલ કરે, જેમાં મરાઠાઓના લોહીના સંબંધીઓને કુણબી પ્રમાણપત્ર આપવાનો સમાવેશ થાય છે જેથી તેઓ ઓબીસી વર્ગ હેઠળ અનામત મેળવી શકે.