આમચી મુંબઈમહારાષ્ટ્ર

મરાઠા કાર્યકર જરાંગેને મળવા રાજકારણીઓ ઉત્સુક, જાણો હવે શું છે કારણ?

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ઢૂંકડી છે ત્યારે વિવિધ પક્ષના નેતાગણ મરાઠા આરક્ષણ માટે લડત ચાલવતા આંદોલનકારી મનોજ જરાંગેને મળવા તલપાપડ દેખાઈ રહ્યા છે. આ આંટાફેરા રાજકીય ટેકો મેળવવા અથવા ચૂંટણી લડવાની ટિકિટ મેળવવા માટેના છે. હજી વર્ષ પહેલા જરાંગેને જૂજ લોકો ઓળખતા હતા, પણ હવે મધમાખી મધ પાસે મંડરાય એ રીતે જરાંગે આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મરાઠાઓને અન્ય પછાત વર્ગો (ઓબીસી)ની કેટેગરી હેઠળ અનામત મેળવવા આંદોલન ચલાવી ખ્યાતિ મેળવી હતી. ત્યારબાદ તેમણે મરાઠવાડા વિસ્તારના જાલના જિલ્લાના અંતરવાલી સરાટી ગામમાં અડધો ડઝનથી વધુ ભૂખ હડતાળ કરી અનામત આંદોલન અંગે જાગૃતિ લાવવાની કોશિશ કરી હતી.

વિશ્લેષકોના જણાવ્યા અનુસાર મરાઠા આરક્ષણની માંગણીના મુદ્દાએ લોકસભાની ચૂંટણીમાં મહાયુતિને નુકસાન પહોંચાડ્યું હતું. આજની તારીખમાં પણ આ મુદ્દો નોંધપાત્ર મતદારો માટે મહત્ત્વ ધરાવે છે. જરાંગેએ કહ્યું છે કે જો સરકાર મરાઠા સમુદાયની માંગણી પૂરી નહીં કરે તો 20 નવેમ્બરે યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં પરિણામ ભોગવવું પડશે.

આ પણ વાંચો : મને મારી નાખવાનું કાવતરુંઃ મનોજ જરાંગેએ પોતાના મૃત્યુ વિશ કહી આ વાત…

સરકાર અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ જરાંગેએ આકરી ટીકા કરવા છતાં તાજેતરમાં અનેક નેતાઓ અને વિવિધ પક્ષોના ચૂંટણી ઇચ્છુક લોકો તેમને મળ્યા છે. એમાંથી અનેકોએ તેમના આંદોલનને ટેકો પણ આપ્યો છે. એક રાજકીય વિશ્લેષકના જણાવ્યા અનુસાર શિવસેના અને એનસીપીમાં ભાગલા પડવાને કારણે આગામી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી રસાકસીપૂર્ણ રહેવાની છે.

ઉલ્લેખનીય છે કે ભાજપ કિસાન મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ રમેશ પોકળેએ વિધાનસભા ચૂંટણી પર નજર રાખીને ઓગસ્ટમાં જરાંગે સાથે મુલાકાત કરી હતી. મુખ્ય પ્રધાન અને શિવસેનાના નેતા એકનાથ શિંદેના નજીકના મનાતા મહારાષ્ટ્રના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે પણ તાજેતરમાં અંતરવાલી સરાટી ખાતે જરાંગે સાથે મુલાકાત કરી હતી.

એ.આઈ.એમ.આઈ.એમ.ના નેતા ઇમ્તિયાઝ જલીલ મંગળવારે જરાંગેને મળ્યા હતા અને મરાઠાઓ અને મુસ્લિમોના હિત માટે મરાઠા કાર્યકર સાથે જોડાણ કરવાનો સંકેત આપ્યો હતો. ગયા મહિને સીએમ શિંદેના નેતૃત્વમાં શિવસેના સાથે જોડાયેલા મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અબ્દુલ સત્તારે પણ જરાંગે સાથે મુલાકાત કરી હતી. પૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણ અને પક્ષના વિધાનસભ્ય ધીરજ દેશમુખ પણ જારાંગેને અલગથી મળ્યા છે.
(પીટીઆઈ)

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker