મહાયુતિ પાક લોન માફીના વચનથી પાછી હટી ‘સરકારને ફક્ત ટેન્ડરોમાં રસ છે’: અંબાદાસ દાનવે

છત્રપતિ સંભાજીનગર: શિવસેના (યુબીટી)ના નેતા અંબાદાસ દાનવેએ શનિવારે મહાયુતિના સાથી પક્ષો પર ચૂંટણી દરમિયાન ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે રાજ્ય સરકાર પાક લોન માફ કરવામાં અસમર્થ હોવાથી ગરીબ ખેડૂતો પર આર્થિક બોજ વધશે.
તેઓ વર્તમાન નાણાકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય લોન માફી કરવામાં અસમર્થ હોવા અંગેના નાણા પ્રધાન અજિત પવારના નિવેદન પર બોલી રહ્યા હતા. પવારે ખેડૂતોને સમયસર લોનના હપ્તા ચૂકવવાની અપીલ કરી હતી.
મહાયુતિના સાથી પક્ષોએ (વિધાનસભા ચૂંટણી દરમિયાન) સત્તામાં આવ્યા તો પાક લોન માફ કરવાનું વચન આપ્યું હતું. હવે તેઓ તેમના ચૂંટણી વચનથી પાછા હટી રહ્યા છે, એમ વિધાન પરિષદમાં વિપક્ષી નેતાએ છત્રપતિ સંભાજીનગરમાં પત્રકારોને જણાવ્યું હતું.
આ પણ વાંચો: ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ સરકાર મહારાષ્ટ્રને તાલિબાન જેવું રાજ્ય બનાવવા માગે છે: કોંગ્રેસ
તેમણે કહ્યું હતું કે, ખેડૂતો લોન માફીના વચનમાં ભરોસો રાખતા હતા અને છેલ્લા 5-6 મહિનાથી હપ્ત ચૂકવતા નથી. ‘હપ્તા ન ચૂકવવાને કારણે, તેમના પર વ્યાજનો બોજ વધી રહ્યો છે. ખેડૂતો દ્વારા થતી આત્મહત્યા ઓછી થતી નથી.’
‘કેન્દ્ર સરકાર અદાણી દ્વારા કરાયેલા હજારો કરોડ રૂપિયાના દેવા માફ કરી શકે છે, પરંતુ તે ખેડૂતોના દેવા માફ કરવાના વચનને પૂર્ણ કરી શકતી નથી. આ સરકાર ફક્ત ટેન્ડરોમાં રસ ધરાવે છે,’ એમ દાનવેએ કહ્યું હતું.
તેમણે એવો દાવો કર્યો હતો કે ટેન્ડરોના વધતા ખર્ચને કારણે સરકારને વિકાસ કાર્યો અને ખરીદી માટે વધુ ચૂકવણી કરવાની ફરજ પડી હતી.
દાનવેએ શિવસેનાના પ્રધાન સંજય શિરસાટ પર કટાક્ષ કર્યો હતો જેમણે બજેટ ફાળવણી પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે સામાજિક ન્યાય અને આદિવાસી બાબતોના વિભાગો માટે કુલ કાપ રૂ. 7,000 કરોડનો હતો.
‘તેમના (શિરસાટ) દ્વારા મુખ્ય પ્રધાનને લખાયેલો પત્ર કચરાપેટીમાં ગયો હશે કારણ કે કોઈ તેમને પ્રધાન ગણતું નથી. સરકાર તેમને (શિવસેનાના પ્રધાનો) ગંભીરતાથી લેતી નથી. સરકાર ફક્ત ટેન્ડરોમાં રસ ધરાવે છે, જ્યારે તેની કલ્યાણકારી યોજનાઓ ખરાબ સ્થિતિમાં છે,’ તેમણે ઉમેર્યું.