વિધાનસભા ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીની જીત નક્કીઃ શરદ પવાર
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ ટૂંક સમયમાં પૂરો થઇ રહ્યો હોવાના કારણે થોડા જ મહિનામાં ચૂંટણી યોજવામાં આવશે, જેને પગલે સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને દ્વારા આરોપો અને દાવાઓ કરવાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. શરદચંદ્ર પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ)ના વડા શરદ પવાર દ્વારા પણ વિધાનસભાની ચૂંટણીને લઇને મોટો દાવો કરવામાં આવ્યો છે.
કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને એનસીપી (શરદચંદ્ર પવાર)ની એનસીપીના જોડાણ મહાવિકાસ આઘાડી (MVA)ને આ ચૂંટણીમાં ઝળહળતો વિજય મળશે અને 78 ટકા બેઠકો પર તે જીત મેળવશે તેવો દાવો શરદ પવારે કર્યો છે.
ઉદગીર બેઠકના ભૂતપૂર્વ વિધાનસભ્ય સુધાકર ભાલેરાવે ભાજપના બધા જ પદેથી રાજીનામુ આપીને શરદ પવારના પક્ષમાં પ્રવેશ કર્યો એ દરમિયાન તેમનું સ્વાગત કરતા વખતે શરદ પવારે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં જનતાને હવે પરિવર્તન જોવે છે તે સ્પષ્ટ થયું છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રોસ-વોટિંગનો ભય
પાંચ વર્ષ પહેલા થયેલી લોકસભાની ચૂંટણીમાં વિરોધ પક્ષના ફક્ત છ સાંસદ ચૂંટાઇ આવ્યા હતા. જ્યારે આ વખતે 48માંથી 31 સાંસદ મહાવિકાસ આઘાડીના છે. વિધાનસભાની ચૂંટણીમાં પણ મહારાષ્ટ્રની 288 બેઠકમાંથી 225 બેઠકો પર મહાવિકાસ આઘાડી (MVA) વિજય મેળવશે તેવું ચિત્ર દેખાય છે, એટલે તમારે બધાએ જ વધુમાં વધુ કામો કરવા પડશે અને એ તમારી જવાબદારી છે, એમ પવારે જણાવ્યું હતું.
પવારે વધુમાં જણાવ્યું હતું કે સેંકડો કાર્યકર્તાઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે અને તેઓ એ જ ઇચ્છે છે કે રાજ્યમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના હાથમાં વધુ સત્તા આવવી જોઇએ.