મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર મહિલા પંચે મુંબઈ પોલીસને ભાજપના વિધાનસભ્ય સામે અભિનેત્રીની ફરિયાદ પર કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો

મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય મહિલા પંચે સોમવારે મુંબઈ પોલીસને નિર્દેશ આપ્યો હતો કે અભિનેત્રી પ્રાજક્તા માળીની ફરિયાદ પર તાત્કાલિક કાર્યવાહી કરે અને વાસ્તવિક સ્થિતિદર્શક અહેવાલ રજૂ કરે કે વિધાનસભ્ય સુરેશ ધસે તેમના વિશે અયોગ્ય ટિપ્પણી કરી હતી કે નહીં.

માળીએ પંચમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે, ધસની અયોગ્ય અને બદનક્ષીભરી ટિપ્પણીઓની અસર તેમના અંગત અને સામાજિક જીવન પર પડી રહી છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે આ ટિપ્પણીઓ પછી સોશિયલ મીડિયા પર તેમના માટે બદનક્ષીભરી સામગ્રી ફેલાવવામાં આવી હતી. મહારાષ્ટ્ર રાજ્ય મહિલા પંચે તેના એક્સ હેન્ડલ દ્વારા માહિતી આપી હતી કે તેમને માળીની ફરિયાદ મળી છે અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: અભિનેત્રી પ્રાજક્તા માળી અંગે ભાજપના વિધાનસભ્યની ટિપ્પણી પરનો વિવાદ…

પંચે જણાવ્યું હતું કે, આ મુદ્દો ગંભીર છે અને મુંબઈ પોલીસ કમિશનરને તાત્કાલિક કાર્યવાહી કરવા અને તથ્યપૂર્ણ અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. માળી દ્વારા મહિલા પંચમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ વિશે પૂછવામાં આવતા, ધસે કહ્યું કે આ મુદ્દો તેમના માટે સમાપ્ત થઈ ગયો છે અને તેઓ પરિણામો ભોગવવા તૈયાર છે. અહીં ઉલ્લેખનીય છે કે પ્રાજક્તા માળી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મુંબઈમાં તેમના નિવાસસ્થાને મળ્યા તેના એક દિવસ પછી મહિલા પંચે ઉપરોક્ત નિવેદન બહાર પાડ્યું છે.

ફડણવીસે માળી અને તેમના પરિવારને ખાતરી આપી હતી કે મહિલાઓનું અપમાન કરવાના કોઈપણ કૃત્યને સહન કરવામાં આવશે નહીં અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ‘ધસની મને ધનંજય મુંડે સાથે જોડતી ટિપ્પણીઓ અપમાનજનક છે. હું એક સાંસ્કૃતિક કાર્યક્રમ, એક એવોર્ડ સમારંભ માટે પરલી ગઈ હતી. મારા જેવા કલાકારો પ્રેક્ષકોના મનોરંજન માટે ઘણા શહેરોમાં પ્રવાસ કરે છે.

આ પણ વાંચો: સુરેશ ધસે જાહેરમાં માફી માંગવી જોઈએ; પ્રાજક્તા માળી મહિલા પંચમાં ફરિયાદ કરશે

ફક્ત મહિલાઓનું નામ કેમ લેવું જોઈએ? શું રાજકારણીઓ દ્વારા આયોજિત આવા કાર્યક્રમોમાં પુરુષ કલાકારો હાજરી આપતા નથી? ધસે પોતાના સ્વાર્થ માટે મારા નામનો ઉપયોગ કર્યો છે,’ એમ તેણે કહ્યું હતું. તેમણે તેમના સંબંધી નકલી વિડિઓ ક્લિપ્સ બનાવનારાઓ સામે કાર્યવાહી કરવાની પણ માગણી કરી હતી. બીજી તરફ સુરેશ ધસે જણાવ્યું હતું કે, ‘હું આ મુદ્દા અંગે બધા જવાબ આપવા તૈયાર છું.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button