મહારાષ્ટ્રના ઝડપથી વિકસતા રાજકીય ફલકમાં વિપક્ષને સુસંગત રહેવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે

મુંબઈ: રાજકીય વિશ્લેષકોના મતે રાજ્યમાં વિપક્ષને પક્ષાંતર, પુન:મિલનની વાતો અને તૂટી રહેલા જોડાણોના સમયગાળામાં રાજ્યના રાજકારણમાં ગુમાવેલું પોતાનું સ્થાન પુન:પ્રાપ્ત કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મહા વિકાસ આઘાડી અથવા એમવીએ, જેમાં કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી) અને એનસીપી (એસપી)નો સમાવેશ થાય છે, જેનું નેતૃત્વ શરદ પવાર કરે છે, તેનો ગયા વર્ષની વિધાનસભા ચૂંટણીમાં ભારે પરાજય થયો હતો કારણ કે તે રાજ્યની 288 બેઠકોમાંથી ફક્ત 46 બેઠકો જીતી શક્યું હતું. તેમનો આગામી મોટો પડકાર પાલિકાઓની ચૂંટણીઓનો છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે રાજ્ય ચૂંટણી પેનલને ઓબીસી ક્વોટા મુદ્દે ઘણા વર્ષોથી અટકેલી ચૂંટણીઓને ચાર અઠવાડિયામાં સૂચિત કરવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના રાજકારણમાં કોણ મિત્ર કોણ શત્રુઃ સાથી પક્ષને દબાણમાં રાખવાની તમામ પક્ષોની કવાયત
જોકે, રાજ્યમાં ચૂંટણી પછી એનસીપી (એસપી) અને સેના (યુબીટી) પક્ષાંતરથી પ્રભાવિત થયા છે. કોંગ્રેસમાં પુણે જિલ્લાના સંગ્રામ થોપટે એકમાત્ર મોટા નેતા હતા જેમણે તાજેતરમાં પાર્ટી છોડી દીધી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રત્નાકર મહાજને જણાવ્યું હતું કે પરિસ્થિતિની સામાન્ય સમજણ અને ચૂંટણીમાં એક થઈને વિપક્ષે પોતાને પુનજીર્વિત કરવાના પ્રયાસોને આગળ ધપાવવા જોઈએ.
રાજકીય વિશ્લેષકોના મતે જ્યાં સુધી સ્પષ્ટ નેતૃત્વ વ્યૂહરચના અને એકીકૃત એજન્ડા બહાર ન આવે ત્યાં સુધી ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ રાજ્યમાં વિપક્ષ વધુને વધુ અપ્રસ્તુત બનાવવાની ક્ષમતા ધરાવે છે. એક રાજકીય વિશ્લેષકે કહ્યું હતું કે, ‘વિપક્ષનો સૌથી મોટો પડકાર પોતાને ફરીથી પ્રસ્થાપિત કરવાનો છે.’ મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોની તકલીફ જેવા મુદ્દાઓ પર જમીની સ્તરે અસંતોષ અસ્તિત્વમાં છે, પરંતુ તેને દિશા આપવા માટે કોઈ એક ચહેરો કે સંકલિત બળ નથી,’ એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકારે નાગપુરમાં 42 એકર જંગલની જમીન હડપ કરવાના પ્રયાસની તપાસના આદેશ આપ્યા
વરિષ્ઠ પત્રકાર પ્રકાશ અકોલકરે કહ્યું હતું કે પીઢ રાજકારણી શરદ પવારના પગલાં પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. ‘ચાવી (પવારની પુત્રી) સુપ્રિયા સુળે પાસે છે. હંમેશની જેમ, શરદ પવાર અસ્પષ્ટ છે અને મીડિયાના એક વર્ગ દ્વારા અપાતા અહેવાલો મુજબ, રાજકીય રીતે અલગ થયેલા ભત્રીજા અજિત પવાર સાથે ફરી જોડાવાની ટિપ્પણી કરીને તેમણે ખળભળાટ મચાવ્યો છે,’ એમ તેમણે જણાવ્યું હતું.
84 વર્ષની ઉંમરે શરદ પવાર એનસીપીના ગઢમાં તેમના પક્ષને સુસંગત રાખવા માટે લડી રહ્યા છે, જ્યારે તેઓ સુળેના નેતૃત્વમાં ઉત્તરાધિકારી યોજના તૈયાર કરી રહ્યા છે, એમ રાજકીય વિશ્લેષકોએ જણાવ્યું હતું. પક્ષાંતર કદાચ તેનો સૌથી મોટો પડકાર ન હોય, પરંતુ કોંગ્રેસ નવા વિકલ્પો શોધતા યુવા મતદારોને આકર્ષવા માટે સંઘર્ષ કરી રહી છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં એક સમયે પાવરહાઉસ રહેતી કૉંગ્રેસે ફક્ત વિદર્ભ અને મરાઠવાડામાં થોડો પ્રભાવ જાળવી રાખ્યો છે. મુંબઈ અને કોંકણ પ્રદેશના કેટલાક ભાગોમાં બાળ ઠાકરે દ્વારા સ્થાપિત શિવસેનાના પરંપરાગત મતદારોમાં સેના (યુબીટી)ને ભાવનાત્મક ટેકો મળી રહ્યો છે, જોકે 2022માં શિંદે દ્વારા કરવામાં આવેલા વિભાજન પછી તેની સંગઠનાત્મક શક્તિમાં ઘટાડો થયો છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં સુરક્ષાની તમામ સાવચેતીઓ લેવામાં આવી છે: ફડણવીસ…
એક વિશ્લેષકે જણાવ્યું હતું કે, દેશની સૌથી શ્રીમંત પાલિકા, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન જે બે દાયકાથી વધુ સમયથી અવિભાજિત શિવસેનાના હાથમાં છે, તેના પર નિયંત્રણ જાળવી રાખવાની લડાઈ ઠાકરે માટે સૌથી મોટી રાજકીય સ્પર્ધા હશે. વિપક્ષ પાસે આગામી વિધાનસભા ચૂંટણી માટે સાડા ચાર વર્ષ છે. જોકે, કોઈ સુધારાત્મક પગલાં લેવામાં નહીં આવે, તો 2029ની ચૂંટણીઓ ફરીથી શાસક ગઠબંધનને ભારે ફાયદો કરાવી શકે છે. હાલ માટે, વિપક્ષ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પર આધાર રાખી રહ્યો છે,’ એમ એક નિરીક્ષકે જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે જણાવ્યું હતું કે તેમનો પક્ષ જેઓ લોકશાહી અને બંધારણનું રક્ષણ કરવા માંગે છે તેમને સાથે રાખીને ભાજપ સામે લડવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું કે જેમની પાસે આગામી ચાર વર્ષ સુધી સંઘર્ષ કરવાની હિંમત અને શક્તિ છે તેઓ એમવીએમાં રહેશે. ‘જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કહે છે કે લોકોના કામ કરાવવા માટે તેમને સત્તામાં રહેવાની જરૂર છે, ત્યારે તે એક ખતરનાક મિસાલ સ્થાપિત કરે છે. તે સાબિત કરે છે કે લોકશાહી સંસ્થાઓ નબળી પડી ગઈ છે,’ એમ તેમણે કહ્યું હતું.
સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ વિપક્ષી એકતાની અગ્નિ કસોટી હશે, એમ તેમણે કહ્યું હતું. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (ખગજ) ના વડા રાજ ઠાકરે અને તેમના રાજકીય રીતે અલગ પડી ગયેલા પિતરાઈ ભાઈ ઉદ્ધવ વચ્ચે સંભવિત સમાધાનની ચર્ચાએ મહારાષ્ટ્રના રાજકારણમાં એક નવું પરિમાણ ઉમેર્યું છે. ‘રાજ ઠાકરે વિધાનસભા ચૂંટણી પછી ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનથી દૂર જતા હોય તેવું લાગે છે. ગયા વર્ષે લોકસભા ચૂંટણીમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટેકો આપ્યો હતો,’ એમ એક રાજકીય નિરીક્ષકે જણાવ્યું હતું.