મહારાષ્ટ્રના ‘આ’ ગામના નાગરિકોએ આશ્ચર્યજનક પ્રસ્તાવ કર્યો પસાર, EVM નહીં જોઈએ…
પુણે: મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાની એક ગ્રામ પંચાયતે ‘બંધારણની રક્ષા’ માટે ભવિષ્યની ચૂંટણીઓમાં ઇવીએમને બદલે મતપત્રક (બેલેટ પેપર)ના ઉપયોગને સમર્થન આપતો ઠરાવ પસાર કર્યો હોવાની જાણકારી ગ્રામ સભાના એક સભ્યએ આપી હતી.
સાંગલી જિલ્લાના વાળવા તાલુકાનું બહે ગામ પશ્ચિમ મહારાષ્ટ્રનું સંભવતઃ બીજું ગામ છે જેણે બેલટ પેપર્સની તરફેણ કરી ઇવીએમને નકારી કાઢતો ઠરાવ પસાર કર્યો છે. ડિસેમ્બરમાં સાતારા જિલ્લાના કરાડ (દક્ષિણ) મતવિસ્તારના કોલેવાડી ગામની ગ્રામસભાએ મતપત્રક પર ભવિષ્યની ચૂંટણીમાં મતદાન કરવાનો સંકલ્પ કર્યો હતો.
આ પણ વાંચો: EVM Verification માટે નીતિ બનાવવાની માંગણીઃ 25મી જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટ સુનાવણી હાથ ધરશે…
ગ્રામસભાના એક સભ્યએ વિગતો આપતાં જણાવ્યું હતું કે ‘બહે ગામની ગ્રામસભાએ તાજેતરમાં એક ઠરાવ પસાર કરી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનને બદલે ભવિષ્યની તમામ ચૂંટણીઓમાં મતપત્રકના ઉપયોગને ટેકો આપવામાં આવ્યો હતો. અમે અન્ય ગામ અને તેમની સંબંધિત ગ્રામ પંચાયતોને પણ અપીલ કરીએ છીએ કે બંધારણ અને લોકશાહીની સુરક્ષા અને રક્ષણ માટે સમાન ઠરાવો પસાર કરવામાં આવે. ગ્રામજનોએ આ ઠરાવ મામલતદારને સુપરત કર્યો છે.’
આ પણ વાંચો: EVM મુદ્દે ઓમર અબ્દુલ્લાના સૂર બદલાયાઃ કોંગ્રેસને આપી મોટી સલાહ…
નવેમ્બરમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને સાથી પક્ષોની જીત પછી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની વિશ્વસનીયતા પર વિપક્ષી નેતાઓ દ્વારા કરવામાં આવેલી શંકાઓ વચ્ચે આ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા.
સોલાપુર જિલ્લાના માલશિરાસ મતવિસ્તારના મરકડવાડીના ગ્રામજનોના એક વર્ગે એનસીપી (એસપી)ના ઉમેદવારના વિજયના તફાવતમાં ઘટાડો થયા બાદ ઇવીએમ અંગે શંકા વ્યક્ત કરતા બેલટ પેપરો પર મોક પોલ યોજવાનો પ્રયાસ કર્યો હતો.
(પીટીઆઈ)