વિધાનસભાની ચૂંટણીમાં વધી મતદાનની ટકાવારીઃ કોને ફાયદો કોને નુકસાન?
મુંબઈઃ ચૂંટણીમાં વધતી મતદાનની ટકાવારી લોકશાહી અને ચૂંટણી પંચ માટે ઘણી ઉત્સાહ વધારનારી હોય છે અને એક નાગરિક તરીકે આપણને પણ સંતોષ થાય, પરંતુ રાજકીય પક્ષો માટે કહી ખુશી કહી ગમ જેવું સાબિત થતું હોય છે. કહેવાય છે કે વધારે મતદાન સત્તાધારી પક્ષ સામેની નારાજગી અને સત્તા પરિવર્તનની આશા દર્શાવે છે જ્યારે બીજી બાજુ અમુક નિષ્ણાતોનું કહેવાનું છે કે વધાર મતદાન જે તે સત્તાધારી પક્ષના કામકાજને સમર્થન આપતું હોય છે. હવે ગઈકાલે મહારાષ્ટ્રમાં નોંધાયેલી મતદાનની વધેલી ટકાવારી કોને ફળે છે અને કોને નડે છે તે તો 23મીના પરિણામો જ દર્શાવશે, પરંતુ મતદારો ઘરમાંથી બહાર નીકળ્યા અને મતદાન કરવા ગયા તે આનંદની વાત છે. જોકે તેમ છતાં મુંબઈ અને થાણેના મતદારોએ તો નિરાશ જ કર્યા છે.
Also read: શિંદે, ઠાકરે, ફડણવીસ કે પવાર, સીએમની પહેલી પસંદ કોણ? એક્ઝિટ પોલ્સ ચોંકી ગયા…
મહારાષ્ટ્રમાં વિધાન સભાની ચૂંટણી માટેનું મતદાન પૂરું થઇ ગયું છે. હવે સહુની નજર 23મી નવેમ્બરે આવનારા ચૂંટણીના પરિણામ પર છે. છ મહિના પહેલા જ લોકસભાની ચૂંટણી માટે મતદાન થયું હતું. એ સમયે મહારાષ્ટ્રના મતદાનના આંકડા ઘણા ઓછા હતા. એની સરખામણીમાં આ વર્ષની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં સરેરાશ 65 ટકાથી વધુ મતદાન થયું છે.
લોકસભા ચૂંટણી 2024ની સરખામણીમાં આ ચૂંટણીમાં મતોની ટકાવારી વધી છે. રાજ્યમાં લોકસભા ચૂંટણીમાં 61.29 ટકા મતદાન નોંધાયું હતું. શરૂઆતમાં મતદાન સુસ્ત રહ્યું હતું, પણ છેલ્લા કેટલાક કલાકોમાં રાજ્યના કેટલાક ભાગોમાં મતદાનને વેગ મળ્યો હતો. મતદાન સેન્ટરો પર લોકોની ભીડ જોવા મળી હતી. વધારાના મત કોના પક્ષમાં ગયા? અને આ ચૂંટણીમાં કોને આંચકો લાગશે? કોની સરકાર બનશે? એવા ઘણા સવાલ લોકોના મનમાં ચાલતા હશે. આ બધા સવાલોના જવાબો માટેથઓડો સમય રાહ જોવી પડશે. 23 નવેમ્બરના રોજ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે ત્યારે બધુ સ્પષ્ટ થઇ જશે. વિધાનસભા સામાન્ય ચૂંટણી 2024 માટે રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધી સરેરાશ 65.11 ટકા મતદાન થયું હતું. સંપૂર્ણ ડેટા ઉપલબ્ધ થયા બાદ મતદાન 68 ટકા થવાનું અનુમાન પણ છે.
આ ટકાવારી ઘણી સંતોષજનક છે. રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધુ તો શહેરી વિસ્તારોમાં સૌથી ઓછું મતદાન થયું છે. મુંબઈ, થાણે, પુણે, નાગપુર જેવા શહેરોમાં માત્ર 50 થી 55 ટકા મતદાન થયું હતું. ચૂંટણી પંચે મુંબઈ, થાણે, પુણે અને નાગપુર એમ ચાર મોટા શહેરોમાં ટકાવારી વધારવા માટે ખાસ પ્રયાસો કર્યા હતા . પરંતુ તેને વધુ સફળતા મળી ન હોવાનું જોવા મળ્યું હતું. રાજ્યમાં સૌથી વધુ 82 ટકા મતદાન કોલ્હાપુર જિલ્લાના કાગલ મતવિસ્તારમાં થયું છે. અહીં મેડિકલ એજ્યુકેશન મિનિસ્ટર હસન મુશ્રીફ અને એનસીપીના (શરદ પવાર) સમરજિતસિંહ ઘાટગે વચ્ચે જોરદાર સ્પર્ધા હતી.
થાણાની વાત કરીએ તો કલ્યાણ પશ્ચિમ મતવિસ્તારમાં સૌથી ઓછું 41 ટકા મતદાન થયું છે. એવી જ રીતે મુંબઇના કોલાબા મતવિસ્તારમાં સૌથી ઓછું 45 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ મતદાન સાંજે 5 થી 6 દરમિયાન થયું હતું.
Also read: ઉદ્ધવ સેનાના ઉમેદવાર કેદાર દિઘે વિરુદ્ધ કેસ દાખલ
અંતિમઆંકડાઓ અનુસાર મુંબઈમાં 56 ટકા મતદાન થયું હતું . સૌથી વધુ 62 ટકા મતદાન ભાંડુપ પશ્ચિમ મતવિસ્તારમાં થયું હતુ. બોરીવલી અને મુલુંડમાં પણ 61 ટકા મતદાન થયું હતું. ચાંદિવલીમાં સૌથી ઓછું 48 ટકા મતદાન થયું છે. વડાલા મતવિસ્તારમાં 58 ટકા મતદાન થયું હતું