ત્રિભાષા નીતિ નક્કી કરવા માટે, જનતાના અભિપ્રાયને ધ્યાનમાં લઈશું, વિદ્યાર્થીઓના હિતમાં શ્રેષ્ઠ ભલામણ કરીશું: સમિતિના અધ્યક્ષ ડો. નરેન્દ્ર જાધવ | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

ત્રિભાષા નીતિ નક્કી કરવા માટે, જનતાના અભિપ્રાયને ધ્યાનમાં લઈશું, વિદ્યાર્થીઓના હિતમાં શ્રેષ્ઠ ભલામણ કરીશું: સમિતિના અધ્યક્ષ ડો. નરેન્દ્ર જાધવ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મહારાષ્ટ્ર દેશમાં એક અગ્રણી રાજ્ય છે. અન્ય રાજ્યો મહારાષ્ટ્રને અનુસરે છે. તેથી ત્રિભાષા નીતિના અમલીકરણ અંગે અમે રાજ્યની એક લાખ આઠ હજાર શાળાઓમાં બે કરોડ 12 લાખ વિદ્યાર્થીઓના હિતમાં શ્રેષ્ઠ અહેવાલ તૈયાર કરવાનો પ્રયાસ કરીશું, એમ ત્રિભાષા નીતિ નક્કી કરવા માટે રચાયેલી સમિતિના અધ્યક્ષ ડો. નરેન્દ્ર જાધવે બુધવારે જણાવ્યું હતું.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુસાર ત્રિભાષા નીતિ નક્કી કરવા માટે ડો. નરેન્દ્ર જાધવની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિની પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠક પછી ડો. નરેન્દ્ર જાધવે મંત્રાલય ખાતે મીડિયા પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી. મહારાષ્ટ્ર પ્રાથમિક શિક્ષણ પરિષદના રાજ્ય પ્રોજેક્ટ ડિરેક્ટર સંજય યાદવ, શાળા શિક્ષણ વિભાગના નાયબ સચિવ તુષાર મહાજન, મહારાષ્ટ્ર પ્રાથમિક શિક્ષણ પરિષદના રાજ્ય પ્રોજેક્ટ સંયોજક ગોવિંદ કાંબલે અને અન્ય લોકો આ પ્રસંગે હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : ત્રિભાષા નીતિ ઘડવા માટે ડૉ. નરેન્દ્ર જાધવના નેતૃત્વ હેઠળની સમિતિના સભ્યોની નિમણૂક

ડો. નરેન્દ્ર જાધવે જણાવ્યું હતું કે આગામી 15 દિવસમાં ત્રિભાષા સૂત્ર માટે એક વેબસાઇટ બનાવવામાં આવશે અને તેમાં એક લિંક બનાવવામાં આવશે જેના પર બધા સામાન્ય નાગરિકો, વાલીઓ, વિદ્યાર્થીઓ વગેરે પોતાના મંતવ્યો વ્યક્ત કરી શકશે. અધ્યક્ષ તરીકે ચૂંટાયા બાદ, આ વિષય સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવી હતી. આજની બેઠકમાં તે સભ્યોને ઉપલબ્ધ કરાવવામાં આવી હતી અને આગામી બેઠકમાં તેની ચર્ચા કરવામાં આવશે.

આગામી થોડા દિવસોમાં બે પ્રકારના પ્રશ્ર્નાવલિ તૈયાર કરવામાં આવશે, એક પ્રશ્નાવલિ દરેક માટે હશે અને બીજી પ્રશ્ર્નાવલિ મરાઠી ભાષા સંબંધિત વિવિધ સંસ્થાઓ માટે હશે. આ પ્રશ્ર્નાવલિની લિંક પર જઈને કોઈપણ વ્યક્તિ તેનો જવાબ આપી શકે છે. આ પ્રશ્ર્નાવલિ બધી શાળાઓ, કોલેજો, જનપ્રતિનિધિઓ, વાલીઓ વગેરેને મોકલવામાં આવશે. ડો. જાધવે જણાવ્યું હતું કે તેઓ આગામી 15 દિવસમાં આ વિષય પર પોતાના મંતવ્યો વ્યક્ત કરનારા વિવિધ રાજકીય નેતાઓને રૂબરૂ મળશે અને તેમની ભૂમિકા સમજશે.

આ પણ વાંચો : ભૂતપૂર્વ ક્રિકેટર કેદાર જાધવ ભાજપમાં જોડાયા

ડો. જાધવે જણાવ્યું હતું કે તેઓ નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં સંભાજીનગર (આઠમી ઓક્ટોબર), નાગપુર (દસમી ઓક્ટોબર), કોલ્હાપુર (ત્રીસમી ઓક્ટોબર), રત્નાગિરી (31 ઓક્ટોબર), નાસિક (11 નવેમ્બર), પુણે (13 નવેમ્બર), સોલાપુર (21 નવેમ્બર) અને મુંબઈમાં સમિતિના તમામ સભ્યો સાથે જનમત એકત્રિત કરવા માટે રાજ્યના વિવિધ સ્થળોની મુલાકાત લેશે. આ સમય દરમિયાન, સમિતિ આ મુદ્દા પર પોતાના મંતવ્યો વ્યક્ત કરવા માંગતા તમામ લોકોની લાગણીઓને સમજશે.

સમિતિ અન્ય રાજ્યોમાં ત્રિભાષા સૂત્રનો અમલ કેવી રીતે ચાલી રહ્યો છે તેની પણ માહિતી લેશે. જોકે, તેમણે કહ્યું કે સમિતિ રાજ્યના દરેક સાથે ચર્ચા કરીને પાંચમી ડિસેમ્બર સુધીમાં સરકારને પોતાનો અહેવાલ સુપરત કરવાનો પ્રયાસ કરશે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે સમિતિ રાજ્યના 2,12,00,000 વિદ્યાર્થીઓના હિતમાં શક્ય તેટલો શ્રેષ્ઠ અહેવાલ તૈયાર કરવાનો નિષ્ઠાવાન પ્રયાસ કરશે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button